ગુજરાતમાં આજે સવારથી જ અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં કાળા વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં સવારે 10 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર વરસાદ ચાલુ છે. ગાંધીનગરમાં પણ સવારથી પવન સાથે ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં આ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે 9 ટકા ઘટ હજી બાકી છે. 17 જિલ્લામાં 12 ટકાથી લઈને 78 ટકા સુધીની વરસાદની ઘટ છે. ભાદરવાની શરૂઆતમાં થયેલા વરસાદથી ખેતીને હાલ પૂરતો ટેકો મળ્યો છે. જોકે, આગામી દિવસોમાં વધુ વરસાદ ન વરસે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ચિંતા વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવા સૂચન કરવામાં આવે છે.