સત્ય. સાહસ. સંકલ્પ.

ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી-ગીર સોમનાથમાં વરસાદ, હવામાન વિભાગની નવી આગાહી

ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી-ગીર સોમનાથમાં વરસાદ, હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી ઝાપટા પડ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ધાવા, રમરેસી અને ચિત્રોડ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા સમય પછી વરસાદ આવતાં સ્થાનિક લોકોને રાહત થઈ છે. આ વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થવાની શક્યતા છે, કારણ કે ખેતરોમાં ઊભા પાકને પાણી મળ્યું છે. જોકે, આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પાક માટે નિર્ણાયક રહેશે.

અમરેલી જિલ્લામાં પણ બપોર બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી. ધારી ગીરકાંઠા વિસ્તારના સરસિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ભારે બફારો હતો, જે વરસાદ બાદ ઠંડકમાં બદલાઈ ગયો. ગીર સોમનાથ અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ અસર થઈ રહી છે. જોકે, બે દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે.

હવામાન વિભાગ મુજબ, હાલ કચ્છના નલિયાથી લઈને ડીસા સુધીના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં વધુ કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લેશે.

આ વર્ષે ચોમાસાની સિઝનમાં રાજ્યમાં હજુ પણ 11 ટકા વરસાદની ઘટ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ઝોન મુજબના આંકડા જોઈએ તો કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, મધ્ય ગુજરાતમાં 89.67 ટકા, સૌરાષ્ટ્રમાં 71.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.23 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.