ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી બાદ શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. લાંબા શુષ્ક વાતાવરણ પછી વરસાદ આવતાં રાજ્યમાં ઠંડક પ્રસરી છે.
પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા અને અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં છે. આ વરસાદથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે.
છોટા ઉદેપુર જિલ્લામાં લગભગ દોઢ મહિના બાદ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુર શહેર, પાનવડ અને બોડેલી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. અંતરિયાળ વિસ્તારના ઘણા ખેડૂતો ચોમાસા પર નિર્ભર છે અને અલ-નીનોની અસરથી ચોમાસું નિષ્ફળ જવાની ચિંતા હતી. આ વરસાદ પાક માટે રાહતરૂપ બન્યો છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં વરસાદી ઝાપટું પડતાં એક મહિનાથી રાહ જોતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ એક મહિના બાદ વરસાદ થયો છે, જેનાથી મુરઝાતા મોલને રક્ષણ મળ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો રહ્યો છે, પરંતુ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી અને છેલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી ઝાપટાં નોંધાયા છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, હાલ વાતાવરણમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે: લો-પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ સિસ્ટમોના પ્રભાવથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે, તેથી માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
13 સપ્ટેમ્બરે રાજ્યના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા તથા દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
અમરેલી અને ભાવનગર તથા ભરૂચ, સુરત, તાપી અને ડાંગ સહિત કુલ 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લા—પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા—માં ‘યલો એલર્ટ’ જારી કરાયું છે.
રાજ્યવ્યાપી વરસાદથી ખેડૂતોના સુકાતા પાકને જીવતદાન મળશે તેવી આશા છે.