સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 31% વરસાદની ઘટ

ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 31% વરસાદની ઘટ

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવનારા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે, ત્યારબાદ આ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

ગુજરાતની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. રાજ્યના જમીની વિસ્તારો પર દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે.

આ વર્ષે 1 જૂનથી 24 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સરેરાશ 637 મીમી (25.07 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 693 મીમી (27.28 ઇંચ) વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સમયગાળામાં 411 મીમી (16.18 ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 523 મીમી (20.59 ઇંચ) થવો જોઈએ. આમ, આ વિસ્તારમાં સામાન્ય કરતાં 31 ટકા ઓછો વરસાદ થયો છે.

રાહતની બાબત એ છે કે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

23 સપ્ટેમ્બરે કચ્છના ઉત્તર ભાગ અને ગુજરાતના ઉત્તરી વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હાલમાં ચોમાસાની વિદાય રેખા નલિયાથી ડીસા તરફ પસાર થઈ રહી છે.