સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છમાં ચોમાસાની વિદાય, તાલાલામાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

કચ્છમાં ચોમાસાની વિદાય, તાલાલામાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું હવે વિદાય લેવા લાગ્યું છે. કચ્છ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

તાલાલા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના વિવાદનું મનદુઃખ રાખીને એક કાકાએ પોતાના ભત્રીજાની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયના એક નિર્ણયથી પોલીસ વિભાગમાં ફફડાટ મચી ગયો છે. તેમણે પોલીસકર્મીઓના સગા-સંબંધીઓ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગી છે.

રાજ્ય સરકારે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારી વિભાગો, સંસ્થાઓ અને પસંદગીના એઆઈ સ્ટાર્ટઅપ્સને હવે 100% સબસિડી સાથે હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (GPU પાવર) સુવિધા મફતમાં મળશે.

વડોદરાની એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગોલ્ડ મેડલ મેળવનારમાં દીકરીઓની સંખ્યા વધારે છે, જે ભારતની બદલાઈ રહેલી તસવીર દર્શાવે છે.

વડોદરાના કમાટીબાગ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આરએસએસ અને ભાજપ આંબેડકર નહીં, સાવરકરની વિચારધારામાં માનનારા છે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પીએમજેવીકે પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (પીઆઈ)ના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગ્રાન્ટના 14 કરોડ રૂપિયા પરત કર્યા છે. જોકે, તેઓ હજુ બે પ્રોજેક્ટમાં પીઆઈના પદે યથાવત્ છે. એક પછી એક વિવાદો ખૂલતા તેમણે આ પગલું ભર્યું છે.

આ તરફ, એનએસયુઆઈએ રજિસ્ટ્રારના રાજીનામાની માંગ સાથે યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો. રજિસ્ટ્રારની ઓફિસનો દરવાજો તોડીને તેમની ખુરશીને નકલી નોટોનો હાર પહેરાવ્યો. એટલું જ નહીં, 24 સપ્ટેમ્બરે યુનિવર્સિટી બંધનું પણ એલાન આપ્યું છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક કોન્સ્ટેબલે ક્રેટા ચલાવતી વખતે એક એક્ટિવાને ટક્કર મારી. આ અકસ્માતમાં એક્ટિવા પર બેઠેલા કાકા-ભત્રીજીને ઇજા પહોંચી. નશામાં ચૂર કોન્સ્ટેબલે રોફ ઝાડતા કહ્યું કે કેસ કરી દો.

વડોદરાના તરસાલી બાયપાસ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર એક યુવકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. યુવકે આત્મહત્યા કરી કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.