સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ: 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, 15 જિલ્લામાં વરસાદની ઘટ

ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ: 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, 15 જિલ્લામાં વરસાદની ઘટ

ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 22 સપ્ટેમ્બરની સ્થિતિ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 31.78 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનનો સરેરાશ 88 ટકા થાય છે. છતાં 15 જિલ્લામાં વરસાદની ઘટ ચિંતાનો વિષય બની છે.

રાજ્યના 11 તાલુકા એવા છે જ્યાં હજુ 10 ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. 12 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે. આમાં સૌરાષ્ટ્ર-કચ્છના તાલુકાનો સમાવેશ થાય છે.

સૌથી વધુ ઘટ દેવભૂમિ દ્વારકામાં 72 ટકા, પોરબંદરમાં 63 ટકા, જામનગરમાં 48 ટકા, દાહોદમાં 40 ટકા, કચ્છ-સાબરકાંઠા-અરવલ્લીમાં 33 ટકા, જૂનાગઢમાં 31 ટકા અને ગીર સોમનાથમાં 27 ટકા નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધી સૌથી ઓછો 5.43 ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર, કચ્છ, જામનગર અને વાવ-થરાદમાં પણ વરસાદ ઓછો રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત 12 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં જૂન મહિનામાં માત્ર 1.50 ઈંચ, જુલાઈમાં 20.50 ઈંચ, ઓગસ્ટમાં 3.75 ઈંચ અને સપ્ટેમ્બરના 22 દિવસમાં અંદાજે 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, જૂન અને ઓગસ્ટમાં ઓછો વરસાદ રહ્યો, જ્યારે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં વરસાદ વધ્યો.

હવામાન વિભાગની આગાહી મુજબ 23-24 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે. 25થી સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે. જામનગર અને કચ્છ પંથકમાં 23થી વરસાદમાં વિરામ સાથે સૂકું હવામાન રહેવાની સંભાવના છે.