સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ, સરેરાશ 88% વરસાદ; લાઠી-ઉનામાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ, સરેરાશ 88% વરસાદ; લાઠી-ઉનામાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો સરેરાશ વરસાદ 88% પર પહોંચ્યો છે, જ્યારે 8%ની ઘટ હજુ પણ યથાવત્ છે.

આજે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ભાવનગરના મહુવામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ, જ્યારે ગોંડલમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના 22 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આત્મેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. ઇન્દ્રેશ્વર નજીક જંગલમાં આવેલા આ મંદિરે દર્શનાર્થે ગયેલા બાળકો સહિત 40થી વધુ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફસાયેલા તમામ લોકોને સહી-સલામત બહાર ખસેડી મોટી દુર્ઘટના ટાળી હતી. ગિરનાર પર્વત પર વરસાદથી ધોધ વહેતા થયા છે અને દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં સાંજે સાત વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર જળબંબાકાર થયો હતો અને ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર નજીક 'માવજી હરિભાઈ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ'માં લોખંડની ચીમની ધરાશાયી થતા મોટું નુકસાન થયું હતું.

અમદાવાદ અને સુરત શહેરમાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સુરતના ઉધના અને વરાછામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે તાલાલા તાલુકામાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદમાં રસ્તાઓ નદીની જેમ પાણી વહેતા થયા હતા.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં 30 એમએમ વરસાદ નોંધાયો છે. પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ એક લો પ્રેશર સક્રિય છે, જે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. 22 તારીખે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે.

દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના કેટલાંક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી પણ આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસાની વિદાય થવાની શક્યતા છે.

આજની તારીખે રાજ્યમાં સરેરાશ સામે 8 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 22 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની શક્યતા છે.