ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસું વિદાય થઈ ગયું છે. અલ નીનોની અસરને કારણે રાજ્યમાં સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 23 ટકા અને સમગ્ર દેશમાં 13 ટકા વરસાદની ખાધ રહી છે.
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે, જ્યાં સામાન્ય કરતાં માત્ર 16 ટકા વરસાદ થયો છે. ઉલટું, દક્ષિણ ઝોનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે.
ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67 ટકા અને સૌરાષ્ટ્રમાં 71.43 ટકા વરસાદ થયો છે.
વર્ષ 2018 પછી આ વર્ષે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 2018માં રાજ્યમાં સરેરાશ 77 ટકા વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની આગાહી કરી છે. સાથે જ માવઠું ઓછું રહેવાની શક્યતા હોવાથી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.