ગુજરાતમાં ચોમાસું વિદાય થયા બાદ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે મિશ્ર ઋતુ સર્જાઈ છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સીઝનમાં પ્રથમ વખત 20 ડિગ્રીથી નીચે ગયું છે. આ સાથે શિયાળાના આગમનના સંકેત મળી રહ્યા છે.
બીજી તરફ, અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાત્રિનું તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. દિવસે ગરમી અને બફારો અનુભવાયો હતો, જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે હળવી ઠંડી પ્રસરી હતી. આ કારણે એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાનમાં આવા ફેરફારોને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવા વાયરલ ઈન્ફેક્શનના કેસો વધવાની શક્યતા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સલાહ આપી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.