સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં માનસિક બીમારીના દર્દીઓ 6 વર્ષમાં 113% વધ્યા, દરરોજ 839 નવા કેસ

ગુજરાતમાં માનસિક બીમારીના દર્દીઓ 6 વર્ષમાં 113% વધ્યા, દરરોજ 839 નવા કેસ

ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓના દર્દીઓની સંખ્યામાં છેલ્લા છ વર્ષમાં ભારે વધારો થયો છે. વર્ષ 2019-20માં રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આવા 8.19 લાખ દર્દીઓ નોંધાયા હતા, જે 2025-26માં વધીને 15.43 લાખ થયા છે. એટલે કે છ વર્ષમાં 113 ટકાનો વધારો થયો છે. સરેરાશ ગણતરી કરીએ તો ગુજરાતમાં દરરોજ લગભગ 839 માનસિક સ્વાસ્થ્યના દર્દી નોંધાઈ રહ્યા છે.

દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવાય છે. તે પહેલાં આંકડા દર્શાવે છે કે મનની તકલીફ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.

આ આંકડામાં સૌથી ચિંતાજનક બાબત ડિપ્રેશન એટલે કે હતાશાના કેસોની છે. 2019-20માં ડિપ્રેશનના 1.44 લાખ દર્દી હતા, જે 2025-26માં વધીને 3.09 લાખ થયા. એટલે કે ડિપ્રેશનના કેસોમાં પણ 113 ટકાનો વધારો થયો છે.

ચિંતા એટલે કે એન્કઝાઈટીની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યા છ વર્ષમાં 1.37 લાખથી વધીને 2.65 લાખ થઈ છે. આ લગભગ 94 ટકાનો વધારો છે.

બાળકોમાં પણ માનસિક વિકારના કેસ વધ્યા છે. બાળપણના વિકારોમાં દર્દીઓની સંખ્યા 51,500થી વધીને લગભગ 91,916 થઈ છે, જે 79 ટકાનો વધારો દર્શાવે છે. માદક પદાર્થોના સેવનને કારણે થતી માનસિક બીમારીઓમાં 95 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ કેસોની સંખ્યા 76,000થી વધીને 1.25 લાખ થઈ છે.

વૃદ્ધોમાં માનસિક સમસ્યાના કેસ છ વર્ષમાં 50,000થી વધીને લગભગ 85,000 થયા છે. વધતી ઉંમર સાથે એકલતા, જીવનસાથીનો વિયોગ, શારીરિક નબળાઈ અને સામાજિક સંપર્કમાં ઘટાડો જેવી બાબતો વૃદ્ધોના મન પર અસર કરે છે.

તબીબોના મતે વૃદ્ધોમાં યાદશક્તિ, વર્તન કે લાગણીઓમાં સતત ફેરફાર દેખાય તો તેને વધતી ઉંમરની સામાન્ય અસર માનીને અવગણવું નહીં જોઈએ. તરત તબીબી સલાહ લેવી જરૂરી છે.

સરકારી માનસિક હોસ્પિટલના ડૉ. અજય ચૌહાણે જણાવ્યું કે મનની તકલીફ હંમેશાં બહારથી દેખાતી નથી, પણ તેને અવગણવી ખતરનાક બની શકે છે. માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હોય ત્યારે મદદ માગવામાં સંકોચ રાખવો, તેને પોતાની નબળાઈ માનવી કે લોકો શું કહેશે તેની ચિંતા કરવી, પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. તેથી જ માનસિક તણાવ કે સમસ્યા દેખાય ત્યારે સમયસર નિષ્ણાતની મદદ લેવી જોઈએ.