ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સ અને મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે એક અભ્યાસે ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અન્ન સુરક્ષા અધિકાર અભિયાન દ્વારા રાજ્યના નવ જિલ્લાઓમાં કરાયેલા સર્વે મુજબ, કેન્દ્રની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ માત્ર 27.4 ટકા પાત્ર મહિલાઓને જ મળ્યો છે. જ્યારે રાજ્ય સરકારની નમો શ્રી યોજના માત્ર 4.8 ટકા અરજદારો સુધી પહોંચી છે.
સર્વેમાં જાણવા મળ્યું કે 77.2 ટકા મહિલાઓએ પ્રસૂતિ દરમિયાનનો સંપૂર્ણ તબીબી ખર્ચ પોતાના ખિસ્સામાંથી ભોગવવો પડ્યો છે. ગરીબ અને શ્રમિક પરિવારોને સરેરાશ રૂ. 16,951નો ભારે ખર્ચ કરવો પડ્યો છે, જેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાયા છે.
આ યોજનાઓ ઓનલાઈન હોવા છતાં ટેકનોલોજી અને વહીવટી ખામીઓ લાભાર્થીઓ માટે અવરોધ બની રહી છે. 93.2 ટકા મહિલાઓ પાસે આધાર કાર્ડ અને 82.7 ટકા પાસે બેંક ખાતા હોવા છતાં, 57.5 ટકા કિસ્સાઓમાં આધાર OTP પતિના મોબાઈલ નંબર પર જાય છે. બેંક ખાતા પણ પતિના મોબાઈલ સાથે લિંક હોવાથી અરજીઓ નામંજૂર થાય છે અથવા લટકી પડે છે.
સામાજિક સંગઠનો માને છે કે માતૃત્વ લાભ દાન નથી પરંતુ મહિલાઓનો મૂળભૂત અધિકાર છે. તેમણે ડિજિટલ પ્રક્રિયા સરળ બનાવવા, સહાયની રકમ મોંઘવારી સાથે જોડવા અને પ્રથમ બાળકની મર્યાદા તથા ઉંમરના કડક નિયમો હટાવવાની માંગ કરી છે.