સત્ય. સાહસ. સંકલ્પ.

પશુપાલકો માટે રાહત: રૂ. 229 માં પશુનું વીમું, મૃત્યુ પર રૂ. 40,000 સુધીની સહાય

પશુપાલકો માટે રાહત: રૂ. 229 માં પશુનું વીમું, મૃત્યુ પર રૂ. 40,000 સુધીની સહાય

ગુજરાત સરકારે પશુપાલકો માટે 'પશુધન વીમા સહાય યોજના' અમલમાં મૂકી છે. 'નેશનલ લાઈવસ્ટોક મિશન' હેઠળ ચાલતી આ યોજનામાં પશુપાલક માત્ર રૂ. 229 પ્રતિ પશુ ભરીને પોતાના પશુ માટે એક વર્ષનું રૂ. 40,000 સુધીનું વીમા કવચ મેળવી શકશે.

પશુધન એ પશુપાલક પરિવારની આજીવિકાનો મુખ્ય આધાર છે. પશુનું અચાનક મૃત્યુ થાય તો પરિવાર પર મોટો આર્થિક બોજ આવી પડે છે. આ નુકસાન સામે રક્ષણ આપવું એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

વીમા પ્રીમિયમમાં રાજ્ય સરકાર 85 ટકા એટલે કે રૂ. 1,300 પ્રતિ પશુની સહાય આપે છે. પશુપાલકને પોતાના ભાગે માત્ર રૂ. 229 ચૂકવવાના રહે છે.

આ યોજના હેઠળ પ્રતિ કુટુંબ ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટ, આખલા, બળદ અને પાડા જેવા મહત્તમ 10 મોટા પશુ અથવા 100 નાના પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવે છે.

વર્ષ 2026-27 માટે ભારત સરકારે ગુજરાત માટે રૂ. 250 લાખની જોગવાઈ મંજૂર કરી છે, જેમાંથી પ્રથમ હપ્તા તરીકે રૂ. 115 લાખની ફાળવણી થઈ ચૂકી છે. રાજ્ય સરકારે પણ રૂ. 55 લાખની 'રાજ્ય પુરસ્કૃત પશુધન વીમા સહાય યોજના' મંજૂર કરી છે.

આ વર્ષે રાજ્યના 1,00,000 પશુઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગત વર્ષે રાજ્યમાં 12,228 પશુપાલકોના 48,695 પશુઓને આ યોજના હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા હતા. હાલમાં 'આઈ-ખેડૂત' પોર્ટલ પર 87,147 પશુઓના વીમા માટે અરજીઓ આવી ચૂકી છે. પશુપાલન વિભાગે આ તમામ પાત્ર અરજીઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનું આયોજન કર્યું છે.

રાજ્ય સરકારે પશુપાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાના પાત્ર પશુઓનો સમયસર વીમો કરાવી લે, પશુનો ઓળખ ટેગ જાળવી રાખે અને નોંધણી વખતે સાચી વિગતો આપે, જેથી જરૂર પડે ત્યારે ત્વરિત સહાય મળી શકે.