સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

ગુજરાતમાં નવરાત્રિના ઉત્સવ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વાતાવરણમાં ભેજ વધ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજકોટ, જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં એકલ-દોકલ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ, તાપી અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદી ઝાપટાંની શક્યતા છે.

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. રાજ્યમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું અનુમાન છે, જેના કારણે બપોરના સમયે ગરમી અને બફારો અનુભવાઈ શકે છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ રહેવાની શક્યતા છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ઓક્ટોબર સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. તેની અસરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. તેમણે ઓક્ટોબરના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જોકે આ લાંબા ગાળાની આગાહી હોવાથી તેની પુષ્ટિ હજુ બાકી છે.

મધ્ય ગુજરાતમાં નડિયાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વાતાવરણ મોટે ભાગે વાદળછાયું રહેવાનું અનુમાન છે. વરસાદની આગાહીને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે કે કાર્યક્રમોમાં ખલેલ ન પડે. હવામાન વિભાગની સલાહ છે કે લોકો તાજી આગાહી જોઈને જ પોતાના કાર્યક્રમોનું આયોજન કરે.