સત્ય. સાહસ. સંકલ્પ.

1થી 7 સપ્ટેમ્બર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં 14% ઓછો વરસાદ

1થી 7 સપ્ટેમ્બર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, રાજ્યમાં 14% ઓછો વરસાદ

અમદાવાદ: હવામાન વિભાગે આગામી સાત દિવસ (1થી 7 સપ્ટેમ્બર) માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં 1 મિમીથી 10 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી અને વલસાડ વિસ્તારમાં થયો છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટની ઝડપે પવન ફૂંકાશે, જે ક્યારેક 25 નોટ સુધી પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ આવો જ પવન રહેશે.

સિઝનની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 514.1 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 600.9 મિમી કરતાં 14% ઓછો છે. અમદાવાદમાં 595.3 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 3% ઓછો છે.

સપ્ટેમ્બર મહિના માટેના આઉટલુક મુજબ, રાજ્યમાં વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. હાલમાં ગંગાના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સક્રિય છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલી ટ્રફ સિસ્ટમ પણ યથાવત છે, જેના કારણે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમી પવનો સ્થિર છે.