સત્ય. સાહસ. સંકલ્પ.

ભાડા વિધેયક સામે વકીલોની હડતાળ: 5 ઓક્ટોબરથી રાજ્યભરમાં કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન

ભાડા વિધેયક સામે વકીલોની હડતાળ: 5 ઓક્ટોબરથી રાજ્યભરમાં કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના વકીલોને 5 ઓક્ટોબરથી અમર્યાદિત સમયગાળા માટે હડતાળ પર ઉતરવાની અપીલ કરી છે. આ હડતાળ ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં છે. વકીલો તમામ કોર્ટ કેમ્પસની બહાર પ્રદર્શન અને દેખાવો કરશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સરકારને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અને આ કાયદા અંગે ન્યાયતંત્રને સત્તા આપવાની માંગ કરી છે.

આ અગાઉ, નવા ભાડા વિધેયકના વિરોધમાં સુરત અને વડોદરાની અદાલતોનું કામકાજ ઠપ થઈ ગયું હતું. વકીલોનો દાવો છે કે આ નવા કાયદા હેઠળ ન્યાયિક સત્તાધિકારીઓની સત્તાઓ છીનવીને કારોબારી સત્તાધિકારીઓને આપવામાં આવી છે, જે ન્યાયિક પ્રણાલી પર મોટો પ્રહાર છે. વડોદરા અને સુરતમાં વકીલોએ કોર્ટના ગેટ બહાર ઊભા રહીને વિરોધ કર્યો હતો અને કામ અર્થે આવેલા લોકોને બહારથી જ પરત મોકલી દીધા હતા.