નવા ભાડા વિધેયક સામે વકીલોએ છેલ્લા છ દિવસથી ચલાવેલી હડતાલ પૂરી થઈ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર વચ્ચે થયેલી બેઠકમાં સરકારે ખાતરી આપી છે કે ભાડૂઆત અને મિલકતને લગતા વિવાદોની સુનાવણી અગાઉની જેમ ન્યાયિક સત્તામંડળ પાસે જ રહેશે. આ ખાતરી બાદ વકીલોએ વિરોધ પાછો ખેંચી લીધો છે અને આવતીકાલથી રાજ્યની તમામ અદાલતોમાં કામગીરી નિયમિત રીતે શરૂ થશે.
નવા કાયદાની સમીક્ષા માટે પાંચ સભ્યોની સમિતિ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલના જણાવ્યા મુજબ, નવા ભાડા વિધેયક સામે રાજ્યભરના વકીલોમાં ભારે અસંતોષ હતો, જેના કારણે તેઓ કોર્ટના કામકાજથી દૂર રહ્યા હતા અને ન્યાયિક પ્રક્રિયા થંભી ગઈ હતી. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને બાર કાઉન્સિલના વરિષ્ઠ સભ્યો વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. સરકારે નક્કી કર્યું છે કે નવા કાયદાની સમીક્ષા કરી જરૂરી કાનૂની સુધારા સૂચવવા માટે પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ રચવામાં આવશે. આ સમિતિના અભ્યાસ અને સૂચનોના આધારે જ અંતિમ નિર્ણય લેવાશે.
વકીલોનો વિરોધ શા માટે હતો?
જૂના કાયદા હેઠળ મકાન માલિક અને ભાડૂઆત વચ્ચેના વિવાદો સ્મોલ કોઝીઝ કોર્ટમાં દાખલ થતા હતા. આ કોર્ટમાં કાયદાના નિષ્ણાત અને તાલીમબદ્ધ ન્યાયાધીશો પુરાવા અને કાયદાના આધારે ન્યાય આપતા હતા. પરંતુ નવા ભાડા વિધેયકના ડ્રાફ્ટમાં આ સત્તા સ્મોલ કોઝીઝ કોર્ટ પાસેથી લઈને નાયબ કલેક્ટર કે મદદનીશ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના વહીવટી અધિકારીઓને ભાડા સત્તા અધિકારી તરીકે આપવાની જોગવાઈ હતી.
વકીલોની દલીલ હતી કે કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર જેવા વહીવટી અધિકારીઓ પાસે કાયદાકીય જોગવાઈઓ, બંધારણીય હકો અને ન્યાયિક પ્રક્રિયાની પૂરતી તાલીમ કે જ્ઞાન હોતું નથી. તેથી કાનૂની વિવાદો ઉકેલવા માટે તેમને ન્યાયાધીશ તરીકે બેસાડી શકાય નહીં. ઉપરાંત, ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલાં કાનૂની નિષ્ણાતો કે બાર કાઉન્સિલ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા ન હતા. ન્યાયિક સત્તા વહીવટીતંત્રના હાથમાં જવાથી ગરીબ અને મધ્યમવર્ગીય ભાડૂઆતોના હિતો જોખમમાં મુકાવાની ભીતિ વકીલોએ વ્યક્ત કરી હતી. તેમને એવી પણ આશંકા હતી કે સરકાર અને મોટા બિલ્ડરો મળીને ભાડૂઆતોના હિત વિરુદ્ધ મનસ્વી રીતે કામ કરી શકે છે. વળી, વકીલો માટે કોર્ટ કેમ્પસ છોડીને અલગ-અલગ ઝોનની કલેક્ટર કચેરીઓ કે કોર્પોરેશન ઓફિસોમાં જઈને કેસ લડવાનું મુશ્કેલ, સમયનો વ્યય કરનારું અને પક્ષકારો માટે ખર્ચાળ બની રહે તેમ હતું.
રાજ્યપાલ સમક્ષ પેન્ડિંગ બિલ
આ વિવાદાસ્પદ ભાડા વિધેયક હાલ રાજ્યપાલની સહી અને અંતિમ મંજૂરી માટે પેન્ડિંગ છે. વકીલ મંડળની માંગ છે કે આ બિલને તાત્કાલિક અસરથી રદ કરીને જૂની ન્યાયિક સિસ્ટમ અને કાયદો જ વ્યવહારમાં ચાલુ રાખવો જોઈએ. જોકે, સરકારે પાંચ સભ્યોની સમિતિ રચવાની અને ન્યાયિક સત્તાઓ અદાલતો પાસે જ રાખવાની લેખિત બાંહેધરી આપતાં હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે.