ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં રાજ્યભરમાં વકીલો દ્વારા ચાલતી હડતાલ સમેટવાની જાહેરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કરી છે. રાજ્ય સરકાર સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જણાવ્યું છે કે હડતાલ માટે આપવામાં આવેલું આહવાન પરત લેવામાં આવે છે. આ સાથે 5 સભ્યોની એક કમિટી રચવામાં આવશે, જે વકીલોની માંગણીઓ અને ભાડા વિધેયકને લગતા મુદ્દાઓ પર વિચારણા કરશે.
નવા ભાડા વિધેયક અનુસાર, ભાડા કરાર અને તેના કારણે ઊભા થતા વિવાદોના ઉકેલ માટે સિવિલ કોર્ટ કે સ્મોલ કોઝ કોર્ટની જગ્યાએ વહીવટી તંત્રના અધિકારીઓ જેવા કે નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નિર્ણય લેશે. વકીલો આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા હતા, કારણ કે તેમને લાગે છે કે આનાથી ન્યાયિક પ્રક્રિયામાં વહીવટી હસ્તક્ષેપ થશે અને વિવાદોના નિરાકરણમાં પારદર્શિતા અને કાનૂની સલાહનો અભાવ રહેશે.
આખા રાજ્યમાં વકીલોની હડતાલને કારણે કોર્ટના કામકાજ પર અસર પડી હતી. હવે હડતાલ પરત લેવાતાં નિયમિત કામકાજ ફરી શરૂ થવાની ધારણા છે. બાર કાઉન્સિલની 5 સભ્યોની કમિટી સરકાર સાથે વાતચીત કરીને યોગ્ય ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે.