સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ: 1 લાખથી વધુ વકીલો કામગીરીથી અળગા

ગુજરાતમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ: 1 લાખથી વધુ વકીલો કામગીરીથી અળગા

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ભાડા વિધેયકના વિરોધમાં ગુજરાતના વકીલોએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત બાર એસોસિએશને આ લડતને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

ગુજરાત બાર એસોસિએશનના પ્રમુખ પી.ડી. પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જ રાજ્યની 90 ટકા કોર્ટમાં હડતાળ ચાલી રહી છે અને હવે ગુજરાતના 1 લાખથી વધુ વકીલો કામગીરીથી અળગા રહીને આ કાયદાનો વિરોધ કરશે. જ્યાં સુધી સરકાર આ વિધેયક પાછું નહીં ખેંચે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી તેમણે આપી છે. હડતાળ દરમિયાન રાજ્યના તમામ વકીલ મંડળો કોર્ટ પરિસરની બહાર વિવિધ વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો યોજશે.

બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ પણ વકીલોની આ લડતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે સરકારના આ નિર્ણય સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, વિધાનસભા પાસે કોર્ટના પાવર છીનવી લેવાની કોઈ સત્તા નથી. આ નવો કાયદો સરકારી અધિકારીઓને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનું લાઇસન્સ આપવા સમાન છે.

યતીન ઓઝાએ જાહેરાત કરી હતી કે હાઈકોર્ટના વકીલો પણ આગામી બે દિવસ (સોમવાર અને મંગળવાર) આ હડતાળમાં સક્રિયપણે જોડાશે. આગળની રણનીતિ નક્કી કરવા માટે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ હડતાળના કારણે રાજ્યભરની અદાલતોમાં કામગીરી ઠપ્પ થઈ જવાની અને અસંખ્ય અરજદારોને મુશ્કેલી વેઠવી પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.