ગુજરાતમાં 108 લૉ પ્રોફેસરની ભરતી અંગે મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે 27 કોલેજોમાં ફિક્સ પગારના ધોરણે લૉ પ્રોફેસરની ભરતી માટે આપવામાં આવેલો વર્ક ઓર્ડર રદ કર્યો છે. ભરતી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને GeM પોર્ટલના ઉપયોગ સામે ગુજરાત હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્યની 27 કોલેજોમાં 108 લૉ પ્રોફેસરની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી એજન્સી મારફતે ફિક્સ પગારના ધોરણે કરવાની હતી અને તે માટે GeM પોર્ટલના માધ્યમથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
ભરતી પ્રક્રિયા સામે પાટણના એક ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે લૉ પ્રોફેસર જેવા શૈક્ષણિક પદની ભરતી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે પ્રોફેસર શું વર્ગ-4નો કર્મચારી છે કે તેની ભરતી માટે એજન્સીની જરૂર પડે? હાઈકોર્ટની ટકોર બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગે ભરતી માટે આપેલો વર્ક ઓર્ડર રદ કરી દીધો છે.
આ ભરતી માટે મેસર્સ ડી.જી. નાકરાણીને આપવામાં આવેલો વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ 108 લૉ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા અટકાવવી પડી છે.
શુક્રવારે મુખ્ય સરકારી વકીલ હાઈકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે લૉ કોલેજોમાં પ્રોફેસરોની નવી ભરતીની પ્રક્રિયા હવે સરકાર મારફતે કરવામાં આવશે. સાથે જ શિક્ષણ વિભાગના એકમ KCG-નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા 11 સપ્ટેમ્બરે ડી.જી. નાકરાણીને GeM પોર્ટલ મારફતે આપવામાં આવેલો વર્ક ઓર્ડર રદ કરવાનો પરિપત્ર પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેની નોંધ લેતાં હાઈકોર્ટે હળવી મૌખિક ટકોર કરી હતી કે, “આ તો ફાસ્ટ ટ્રેક જસ્ટિસ થઈ ગયું”, જોકે કોર્ટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
હાઈકોર્ટની ટકોર બાદ હવે લૉ પ્રોફેસરની ભરતી કઈ પદ્ધતિથી કરવામાં આવશે તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. 27 કોલેજોમાં 108 પ્રોફેસરની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હવે નવી રીતે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.