સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની હડતાળ: પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી ઠપ

ગુજરાતમાં લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની હડતાળ: પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણી ઠપ

ગુજરાતમાં લેન્ડ રેકોર્ડ વિભાગના વર્ગ-3 કર્મચારીઓએ 11 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે. તેમની વિવિધ માંગણીઓ 30 દિવસમાં પૂરી ન થતાં આ પગલું લેવામાં આવ્યું છે. હડતાળના કારણે પ્રોપર્ટી કાર્ડ, જમીન માપણી, એએનએ અભિપ્રાય અને જમીન સંપાદન જેવી ઓનલાઈન-ઓફલાઈન કામગીરી બંધ થઈ જશે.

કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓ અંગે સરકારને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, સરકાર તરફથી કોઈ ધ્યાન ન અપાતાં કર્મચારીઓએ આખરીનામું આપીને જણાવ્યું હતું કે જો 30 દિવસમાં પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો ગાંધીચિંતન માર્ગે આંદોલન બાદ હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી મંડળે જમીન દફતર વિભાગના નાયબ નિયામકને આ અંગેનો પત્ર પણ સોંપ્યો હતો.

હડતાળ દરમિયાન કર્મચારીઓ કચેરીઓમાં હાજર રહેશે, પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરે. મંડળના જણાવ્યા અનુસાર, આઈએલઆરની તમામ કચેરીઓમાં હડતાળની અસર થશે. સરકાર તેમની માંગણીઓ સ્વીકારે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

કર્મચારીઓની મુખ્ય માંગણી છે કે સિનિયર સર્વેયરોનો પગાર ધોરણ મેટ્રિક લેવલ-5માંથી લેવલ-7માં અને સર્વેયર સંવર્ગનો પગાર ધોરણ મેટ્રિક લેવલ-4માંથી લેવલ-5માં કરવામાં આવે. કર્મચારીઓનો આક્ષેપ છે કે મુખ્યમંત્રીએ 30 ડિસેમ્બર 2025ના રોજ ગ્રેડ પે અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, છતાં વિભાગ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી.