સત્ય. સાહસ. સંકલ્પ.

લેબર કોર્ટના વકીલો હડતાળે: નવા લેબર કોડ સામે રાજ્યભરમાં વિરોધ

લેબર કોર્ટના વકીલો હડતાળે: નવા લેબર કોડ સામે રાજ્યભરમાં વિરોધ

ગુજરાતમાં નવા લેબર કોડની વિવાદાસ્પદ જોગવાઈઓ સામે રાજ્યની તમામ લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલો આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. ભાડા વિધેયકને લઈને રાજ્યભરના વકીલોની હડતાળ હમણાં જ સમેટાઈ હતી, ત્યાં જ આ નવો વિવાદ શરૂ થયો છે.

આ હડતાળના કારણે ગરીબ મજૂરો, રોજમદારો અને કામદારોના હજારો કેસો પર અસર પડી છે. લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટમાં ન્યાયિક કામગીરી લગભગ ઠપ થઈ ગઈ છે. હડતાળના પહેલા દિવસે વકીલોએ દેખાવો, ધરણાં અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારે દેશભરમાં ચાર નવા લેબર કોડ 21 નવેમ્બર 2025થી લાગુ કર્યા છે. ગુજરાત સરકારે પણ તેના તમામ નિયમો ફાઇનલ કરીને અમલમાં મૂક્યા છે. આ ચાર સંહિતાઓમાં વેતન સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા, દૌગિક સંબંધ સંહિતા અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય તથા કાર્ય પરિસ્થિતિઓ સંહિતાનો સમાવેશ થાય છે.

વકીલોનો મુખ્ય વિરોધ એ છે કે નવા કોડમાં લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટ પાસેની મુખ્ય સત્તાઓ છીનવીને સરકારના વહીવટી અધિકારીઓને આપી દેવામાં આવી છે. જૂની પદ્ધતિમાં વિવિધ મજૂર કાયદાઓ હેઠળના તમામ કેસ ચલાવીને પૂરા કરવાની સત્તા માત્ર મજૂર અદાલતો પાસે હતી. નવી જોગવાઈ હેઠળ આ સત્તા લેબર ડિપાર્ટમેન્ટના વહીવટી અધિકારીઓને સોંપાઈ છે, જેમની પાસે ન્યાયિક કેસ ચલાવવાની પૂરતી લાયકાત કે અનુભવ નથી. આથી લેબર કોર્ટ પ્રોટેક્શનર્સ અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટના વકીલોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

બીજી ચિંતાજનક બાબત એ છે કે લેબર ડિપાર્ટમેન્ટમાં મોટા પાયે જગ્યાઓ ખાલી છે. ડેપ્યુટી લેબર કમિશનર અને આસિસ્ટન્ટ લેબર કમિશનરો એકથી વધુ જગ્યાનો વધારાનો ભાર સંભાળી રહ્યા છે. સરકાર ઘણી કામગીરી આઉટસોર્સિંગ દ્વારા કરાવે છે. ડિપાર્ટમેન્ટ માંડ 30થી 40 ટકા ક્ષમતા સાથે ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં લેબર કોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ કોર્ટની કામગીરી પણ તેમને સોંપાઈ હોવાથી આ કામગીરી કેવી રીતે પાર પડશે તે અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વહીવટી કામ કરતા અધિકારીઓ ન્યાયિક કામગીરી કેટલી સારી રીતે કરી શકશે તે પ્રશ્ન છે, કારણ કે આ ગરીબ મજૂરો, રોજમદારો અને કામદારોના હિત, અધિકાર અને અસ્તિત્વની લડાઈનો મામલો છે.