ગુજરાતમાં કબડ્ડીને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાના ઉદ્દેશથી ગુજરાત કબડ્ડી લીગની તૈયારી ચાલી રહી છે. આ લીગ માટે અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ટીમના લોગોનું અનાવરણ થયું છે. પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી આ ટીમ ફક્ત લીગમાં ભાગ લેશે નહીં, પણ કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, ખેલાડીઓ માટેની તકો અને રમતગમતની માળખાકીય સુવિધાઓ મજબૂત કરવા પર પણ કામ કરશે.
ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન દ્વારા રાજ્યમાં કબડ્ડીને પ્રોત્સાહન આપવા ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ સાથે જોડાયેલા સ્પોર્ટ્સ પ્રમોટર જગત પટેલે કહ્યું કે, “લીગની જાહેરાત બાદ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. પણ મારો ઉદ્દેશ માત્ર આ લીગ પૂરતો મર્યાદિત નથી. અમદાવાદ અને ગુજરાતમાં કબડ્ડી સહિતની રમતો માટે આધુનિક સુવિધાઓ ઊભી થાય, ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન મળે અને તેમને વધુ સ્પર્ધાત્મક તકો મળે તે માટે હું આ પહેલ સાથે જોડાયો છું.”
ગુજરાતમાં કબડ્ડીની સ્થિતિ વિશે વાત કરતાં જગત પટેલે જણાવ્યું કે, “કબડ્ડી ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમતોમાંની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફેશનલ સ્તરે કબડ્ડીને મળેલી ઓળખને કારણે યુવાનોમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કમી નથી. જરૂર છે યોગ્ય પ્લેટફોર્મ, ગુણવત્તાયુક્ત તાલીમ, માર્ગદર્શન અને સતત સ્પર્ધાની તકો ઉપલબ્ધ કરાવવાની.” તેમણે ઉમેર્યું કે, “કબડ્ડી ફક્ત રમત નથી, પણ યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાનું માધ્યમ પણ છે. તેથી રમતના વિકાસ માટે ફક્ત સ્પર્ધાઓનું આયોજન પૂરતું નથી. ખેલાડીઓને કોચિંગ, ફિટનેસ, યોગ્ય આહાર અને આધુનિક રમતગમતની સુવિધાઓ પણ મળવી જોઈએ.”
પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ આગામી સમયમાં કબડ્ડી માટે એકેડેમીની દિશામાં પણ આગળ વધવાની યોજના ધરાવે છે. સંસ્થાના અભ્યાસ મુજબ, હાલમાં અમદાવાદમાં અંદાજે 400 ખેલાડીઓ કબડ્ડીની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં 4,000થી વધુ સુધી લઈ જવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ માટે શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેલી પ્રતિભાને ઓળખી તેમને યોગ્ય ટ્રેનિંગ અને સ્પર્ધાત્મક તકો સાથે જોડવાનો પ્રયાસ થશે.
અમદાવાદ હેરિટેજ હીરોઝ સાથે જોડાયેલા ભાસ્કર ભટ્ટે જણાવ્યું કે, “ગુજરાતમાં કબડ્ડી લીગ શરૂ થવાની પહેલ સામે આવી ત્યારે મારા કેટલાક સાથી મિત્રો સાથે આ પહેલમાં જોડાવા અંગે ચર્ચા થઈ હતી. ત્યારબાદ ગુજરાતમાં કબડ્ડીની સ્થિતિ, ખેલાડીઓને મળતી તકો અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર પ્રક્રિયા બાદ મને લાગ્યું કે ગુજરાતમાં કબડ્ડીને વધુ મજબૂત અને વ્યવસ્થિત પ્લેટફોર્મ આપવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે, “દેશની લોકપ્રિય રમતોમાંની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવવી જરૂરી છે. અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ ફક્ત એક લીગ કે સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં કબડ્ડી માટે લાંબા ગાળાનું વાતાવરણ ઊભું થાય અને અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાને આગળ આવવાની તક મળે તે દિશામાં કામ કરવાનો પ્રયાસ રહેશે.” તેમણે ઉમેર્યું કે, “સ્પોર્ટ્સ સાથે જોડાયેલા ખેલાડીઓ કે સંસ્થાઓને કોઈ પ્રશ્ન હોય અને તે અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની જરૂર ઊભી થાય તો ખેલાડીઓના પ્રશ્નો યોગ્ય સ્તરે પહોંચાડવા હું હંમેશા સહયોગ આપીશ. સરકાર, સ્પોર્ટ્સ એસોસિયેશન, કોચ, ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો વચ્ચે વધુ સારું સંકલન થાય તે પણ જરૂરી છે.”
અમદાવાદ હેરિટેજ હીરોઝ અને પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ દ્વારા ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ મજબૂત બનાવવા સાથે સમગ્ર સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવશે. રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઓળખીને તેમને યોગ્ય દિશા અને તકો મળે તો ગુજરાત દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન મેળવી શકે છે. ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયેશન, એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા, ભગવાન સહાય યોગીજી અને કે.સી. સુથાર સહિત રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સહયોગથી આ પહેલને આગળ વધારવામાં આવશે.