આજે સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો પાવન પર્વ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. ગામડાંઓથી માંડીને શહેરો સુધી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના નાદ ગુંજી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. અહીંના ઐતિહાસિક રણછોડજી મંદિરે વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને મધરાતે 12 વાગ્યે મંદિર યુવક મંડળ દ્વારા મટકી ફોડનું આયોજન કરાયું છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે ક્રિષ્ના યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રા અને મટકી ફોડ ઉત્સવ યોજાયો હતો. આખું ગામ નાળિયેરી અને આંબાના તોરણોથી શણગારવામાં આવ્યું હતું, અને ઘરઆંગણે રંગોળી પૂરીને ભગવાન કૃષ્ણની શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. ગામ જાણે ગોકુળનગરી બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
છોટાઉદેપુરના નસવાડીમાં શ્રાવણ માસ અને જન્માષ્ટમીના સંગમથી બેવડો ઉત્સવ જોવા મળ્યો હતો. ત્યાંના પશુપતિનાથ મહાદેવ મંદિરે સવારથી ભક્તોની ભીડ જામી હતી. ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ અને બિલીપત્ર ચઢાવ્યા અને કૃષ્ણ ભક્તિથી લીન બન્યા. સાંજે ભજન-કીર્તન અને મટકી ફોડ જેવા કાર્યક્રમો યોજાતાં નસવાડી પણ ભક્તિમય બની ગયું છે.