ગુજરાત સરકારના 'જલ જીવન મિશન' હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા સામે ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ફરિયાદો આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાણી પુરવઠા વિભાગને 1.51 લાખથી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 1.34 લાખ ફરિયાદો બંધ પડેલા હેન્ડપંપ અંગેની છે. આ ઉપરાંત, 17,000થી વધુ ફરિયાદો એવી છે કે ગ્રામજનોને પૂરતું પાણી મળતું નથી.
હેન્ડપંપ એ ગામડાઓમાં પીવાના પાણીનો મુખ્ય વૈકલ્પિક સ્રોત છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે તે બંધ પડી ગયા છે. સરકારે નિયમ બનાવ્યો હતો કે પાણી અંગેની કોઈપણ ફરિયાદનો નિકાલ મહત્તમ 7 દિવસમાં થવો જોઈએ, પરંતુ વાસ્તવમાં ફરિયાદો ઉકેલવામાં 30 દિવસથી લઈને 6 મહિના સુધીનો સમય લાગી રહ્યો છે.
પાણી પુરવઠા વિભાગે ફરિયાદ નોંધાવવા માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1916 જાહેર કર્યો છે. આ નંબરની માહિતી ગ્રામ પંચાયત, આંગણવાડી અને જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવાનો આદેશ હતો. જોકે, તાજેતરના એક સરકારી સર્વેમાં જાણવા મળ્યું છે કે 75% ગ્રામજનોને આ હેલ્પલાઈન વિશે કોઈ માહિતી જ નથી. પ્રચાર-પ્રસારના અભાવે સરકારી યોજનાઓ કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાનું જણાય છે.