ગુજરાતમાં જળ જીવન મિશન હેઠળ ગ્રામીણ પરિવારોને ઘરમાં નળ કનેક્શન આપવાની યોજનામાં ગંભીર ખામીઓ સામે આવી છે. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ના રિપોર્ટ મુજબ, નવેમ્બર 2024 સુધીમાં 72.14 લાખ ઘરોના લક્ષ્યાંક સામે માત્ર 47.62 લાખ ઘરોને જ નળ જોડાણ મળ્યું છે. એટલે કે લગભગ 34 ટકા ઘરો સુધી નળનું જોડાણ પહોંચ્યું જ નથી. હજુ પણ 24.52 લાખ ઘરો નળ કનેક્શન વગરના છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, નળ જોડાણ ન હોવા છતાં ગુજરાતના ઘણા ગામોને ‘હર ઘર જલ’ જાહેર કરી દેવાયા હતા. ‘હર ઘર જલ’ એટલે એવું ગામ જ્યાં દરેક ઘરમાં નળ કનેક્શન હોય. રાજ્ય સરકારે ગુજરાતને ‘હર ઘર જલ’ રાજ્ય જાહેર કર્યું હતું, અને કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાતમાં 91.18 લાખ ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ હોવાનો દાવો કરાયો હતો.
ઓગસ્ટ 2019માં જળ જીવન મિશન શરૂ થયું ત્યારે ગુજરાતમાં આશરે 1.01 કરોડ ગ્રામીણ ઘરો પૈકી 72.07 લાખ ઘરોને મિશન હેઠળ નળ જોડાણ આપવાની જરૂરિયાત ઓળખાઈ હતી. બાદમાં 72.14 લાખ ઘરો માટે યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી. જોકે નવેમ્બર 2024 સુધીમાં 47.62 લાખ ઘરોને જ નળ કનેક્શન આપવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારના સર્વેમાં જાણવા મળ્યું કે, ‘હર ઘર જલ’ ગામોમાં 98.1 ટકા ઘરોમાં નળ જોડાણ હતું, પરંતુ 89.5 ટકા નળમાં જ પાણી આવતું હતું. 11.6 ટકા નળ કનેક્શન વપરાશ વગર પડી રહ્યા હતા. આ ઉપરાંત 80.2 ટકા ઘરોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું હતું, જ્યારે 83.6 ટકા ઘરોને નિર્ધારિત સમયમાં પાણી મળતું હતું.
કેગે નોંધ્યું છે કે, હવે રાજ્યમાં જે ગામોને ‘હર ઘર જલ’ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં ખરેખર દરેક ઘરમાં નિયમિત પાણી પહોંચે છે કે નહીં, નળ જોડાણો કાર્યરત છે કે નહીં તથા પાણીની ગુણવત્તા નિર્ધારિત માપદંડ મુજબ છે કે નહીં તેની અસરકારક ચકાસણી કરવી મહત્વપૂર્ણ છે.
ઓડિટ રિપોર્ટમાં યોજનાના આયોજન અને અમલીકરણ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક ગામોને નિર્ધારિત માપદંડોની સંપૂર્ણ સિદ્ધિ થયા પહેલાં જ ‘હર ઘર જલ’ તરીકે જાહેર કરી દેવાયા હતા. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, કરાર વ્યવસ્થાપનમાં ખામીઓ, જમીન ઉપલબ્ધ ન થવી અને ડિઝાઇન મંજૂરીમાં વિલંબ જેવા કારણોસર પાણી પુરવઠાની યોજનાના અમલમાં વિલંબ થયો હતો.
નિરીક્ષણોથી સ્પષ્ટ છે કે યોજનાની સફળતા માત્ર કાગળ પરના જોડાણના આંકડા નહીં, પરંતુ દરેક ઘરના નળમાંથી નિયમિત અને શુદ્ધ પાણી પહોંચે છે કે નહીં તેના આધારે નક્કી થવી જોઈએ.