સત્ય. સાહસ. સંકલ્પ.

જલ જીવન મિશન ઓડિટમાં ખુલાસો: કોન્ટ્રાક્ટરોને ₹73 કરોડની વધુ ચુકવણી, 'હર ઘર જલ' પ્રમાણપત્રમાં તફાવત

જલ જીવન મિશન ઓડિટમાં ખુલાસો: કોન્ટ્રાક્ટરોને ₹73 કરોડની વધુ ચુકવણી, 'હર ઘર જલ' પ્રમાણપત્રમાં તફાવત

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં જલ જીવન મિશન (JJM) હેઠળ રાજ્યમાં થયેલી કામગીરી અંગેનો CAG (કેગ) ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અમલમાં મૂકાયેલા આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોના દરેક ઘર સુધી પાઇપલાઇન દ્વારા શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાનો છે.

2019-20થી 2023-24 સુધીના સમયગાળાની કામગીરીને આવરી લેતા આ ઓડિટ રિપોર્ટમાં યોજનાના આયોજન, અમલીકરણ, પાણીની ગુણવત્તા, જાળવણી અને નાણાકીય વ્યવસ્થાપન સહિતના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી છે. ઓડિટ દરમિયાન કેટલીક મહત્ત્વની ખામીઓ અને નાણાકીય ગેરરીતિઓ સામે આવી છે.

'હર ઘર જલ' પ્રમાણપત્રમાં તફાવત

રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કુલ 18,024 ગામોને 100 ટકા 'હર ઘર જલ' તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જોકે, ઓગસ્ટ 2025 સુધીમાં માત્ર 16,920 ગામોને જ વાસ્તવિક રીતે 'હર ઘર જલ' તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા. એટલે કે કુલ ગામોમાંથી 93.87 ટકા ગામોનું જ પ્રમાણિતકરણ થઈ શક્યું હતું.

આ ઉપરાંત, 2020થી 2024 દરમિયાન સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન (SWSM)ની મહત્ત્વની એપેક્સ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકો યોજાઈ ન હોવાનું પણ ઓડિટમાં નોંધાયું છે. પસંદગીના જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન માત્ર 44.26 ટકા ગામોમાં જ 'વિલેજ એક્શન પ્લાન' તૈયાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

કોન્ટ્રાક્ટરોને કરોડોની વધુ ચુકવણી

ઓડિટ રિપોર્ટમાં નાણાકીય વ્યવસ્થાપન અંગે પણ ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. GWIL અને GWSSB દ્વારા ખોટા WPI (Wholesale Price Index) અને GST દરો અપનાવવામાં આવતા કોન્ટ્રાક્ટરોને અનુક્રમે ₹54.32 કરોડ અને ₹18.65 કરોડની વધુ ચુકવણી કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

પાણીની ગુણવત્તા ચકાસવામાં પણ ખામીઓ

જલ જીવન મિશન હેઠળ પાણીની ગુણવત્તા જાળવવા માટેની પ્રયોગશાળાઓમાં પણ સાધનો અને માનવબળની અછત જોવા મળી છે. જાન્યુઆરી 2025 સુધીમાં જરૂરી સાધનોમાંથી માત્ર 61.70 ટકા સાધનો જ ઉપલબ્ધ હતા.

ગાંધીનગર સ્થિત રાજ્ય સ્તરની પ્રયોગશાળા (SLL)માં ટેકનિકલ જગ્યાઓમાં 64.29 ટકા જગ્યાઓ ખાલી હોવાનું પણ ઓડિટમાં નોંધાયું છે. માનવબળની અછતના કારણે પાણીના નમૂનાઓનું જરૂરી પ્રમાણમાં પરીક્ષણ થઈ શક્યું ન હોવાનું સામે આવ્યું છે.

ચોમાસા પહેલાં કરવામાં આવેલા પરીક્ષણમાં 26 ટકા અને ચોમાસા બાદ કરવામાં આવેલા પરીક્ષણમાં 24 ટકા પાણીના નમૂનાઓ અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં, વૈકલ્પિક સુરક્ષિત પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ છે કે નહીં તેની પૂરતી ચકાસણી કર્યા વગર કેટલાક નમૂનાઓને યોગ્ય અથવા અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

પાણી વેરાની કરોડોની બાકી રકમ

જલ જીવન મિશનના સંચાલન અને જાળવણીને લઈને પણ અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ઓડિટ દરમિયાન તપાસવામાં આવેલા ગામોમાં 4,777 પરિવારોએ ક્યારેય વપરાશકર્તા શુલ્ક ચૂકવ્યું ન હોવાનું નોંધાયું છે.

બીજી તરફ, ગ્રામ પંચાયતો પાસેથી બાકી પાણી વેરાની રકમ વધીને ₹236.55 કરોડ થઈ ગઈ છે. આ સ્થિતિ યોજનાના લાંબા ગાળાના સંચાલન અને જાળવણી માટે પડકારરૂપ બની શકે છે.

10.47 ટકા પાણીનું નુકસાન

પાણીના બગાડ અંગે પણ રિપોર્ટમાં ચિંતાજનક બાબત સામે આવી છે. જાન્યુઆરી 2025 સુધી GWSSB દ્વારા કોઈ નવું વોટર ઓડિટ કરવામાં આવ્યું ન હતું. અગાઉ કરવામાં આવેલા વોટર ઓડિટ મુજબ છ જિલ્લાઓમાં 10,555.52 મિલિયન લીટર પાણીનું નુકસાન થયું હતું, જે કુલ પાણીના આશરે 10.47 ટકા જેટલું છે.

ફરિયાદ નિવારણ વ્યવસ્થાની વાત કરીએ તો 2019થી 2024 દરમિયાન પાણી પુરવઠા સંબંધિત કુલ 17,184 ફરિયાદો મળી હતી. તેમાંથી 10,606 ફરિયાદો એટલે કે 61.72 ટકા ફરિયાદોનું સાત દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં નિવારણ કરવામાં આવ્યું હતું.

CAG રિપોર્ટમાં સુધારા માટે મહત્ત્વની ભલામણો

જલ જીવન મિશનને વધુ અસરકારક બનાવવા અને ભવિષ્યમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે CAG રિપોર્ટમાં અનેક ભલામણો કરવામાં આવી છે.

રિપોર્ટમાં GWIL અને GWSSBની યોજનાઓ સમયસર પૂર્ણ થાય તે માટે વધુ મજબૂત વ્યવસ્થા વિકસાવવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ WPI અને GSTના દરોના ઉપયોગને પ્રમાણિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તમામ ઘરોને નિયમિત ધોરણે ઓછામાં ઓછું 55 LPCD (લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ) શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.