અમદાવાદ: ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) કાર્યાલયને ખાલિસ્તાનના નામે ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેમાં ગાંધીનગરની DGP ઓફિસ, કલેક્ટર ઓફિસ, એક મંદિર અને સાબરમતી સહિત રાજ્યની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલમાં '2008ને ભૂલશો નહીં, ભારત સરકાર માટે મોટું સરપ્રાઈઝ' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ધમકી મળતાં જ રાજ્યની તમામ જેલોમાં સુરક્ષા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની સાબરમતી જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ અને રાજકોટની જેલમાં પોલીસની ટીમો પહોંચી ગઈ છે. બોમ્બ ડિટેક્શન અને ડોગ સ્ક્વોડ ટીમો પણ તપાસમાં જોડાઈ છે.
ધમકીભર્યા ઈમેલમાં 'પાકિસ્તાન જિંદાબાદ', 'ખાલિસ્તાન જિંદાબાદ' અને 'અલ્લાહુ અકબર'નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઈમેલ કોણે મોકલ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસ સાયબર ટીમ ઈમેલના સ્રોતની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અમદાવાદની આઠ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જેમાં સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન. વિદ્યાલયનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીતના કોન્સર્ટને પણ ધમકી આપવામાં આવી હતી. તે ઈમેલમાં લખ્યું હતું કે 'બચ્ચન બોમ્બેમાં, દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યા જશે'.
સત્તાવાળાઓએ લોકોને ગભરાટ ન ફેલાવવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે.