ગાંધીનગર: છેલ્લા એક દાયકામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે. 2013ની સરખામણીમાં ખાંડ 127 ટકા, દાળો 116 ટકા, તેલ 150 ટકા અને દૂધ 136 ટકા મોંઘા થયા છે. મસાલા, લોટ-ચોખા અને ડુંગળીના ભાવ પણ ખૂબ ઊંચા પહોંચ્યા છે. આથી મધ્યમ અને ગરીબ પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.
2013માં ખાંડ રૂ. 37 પ્રતિ કિલો હતી, જે હવે રૂ. 84 થઈ ગઈ છે. તુવેર દાળ રૂ. 74થી રૂ. 160, અડદ દાળ રૂ. 71થી રૂ. 160 અને ચણા દાળ રૂ. 50થી રૂ. 125 પ્રતિ કિલો થઈ છે. સરસિયાનું તેલ રૂ. 102થી રૂ. 263 અને સિંગતેલ રૂ. 164થી રૂ. 286 પ્રતિ કિલો થયું છે. દૂધ રૂ. 36થી રૂ. 85 પ્રતિ લિટર, લોટ રૂ. 21થી રૂ. 69 અને ચોખા રૂ. 29થી રૂ. 71 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.
મસાલામાં જાયફળ, જીરું, લાલ મરચું અને હળદરના ભાવ પ્રતિ કિલોએ રૂ. 150થી રૂ. 800 સુધી વધ્યા છે. મે 2013માં રૂ. 23 પ્રતિ કિલો મળતી ડુંગળી હવે રૂ. 84 થઈ છે, એટલે કે 217 ટકાનો વધારો.
વ્યાપારીઓ અને સંગ્રહખોરોની મનમાની નફાખોરી તથા પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી અને રાંધણ ગેસના ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. તેની અસર દરેક ચીજવસ્તુની કિંમત પર પડી છે. ઊંચા ભાવનો લાભ ખેડૂતોને મળતો નથી, કારણ કે તેમને પોતાના પાકનું યોગ્ય વળતર મળતું નથી. આથી ખેડૂતો પણ આર્થિક સંકટમાં મૂકાયા છે.
જનતાએ માંગ કરી છે કે સરકાર મૌન તોડે અને સંગ્રહખોરો તથા કાળાબજારિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરે, જેથી સામાન્ય માણસને રાહત મળે.