ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંકમાં 38.75 કરોડ રૂપિયાના કૌભાંડમાં છેલ્લા 16 વર્ષથી નાસતા-ફરતા ભુપેન્દ્ર મિસ્ત્રી અને તેમની પત્ની નીતાબહેન મિસ્ત્રીની કાયમી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે દંપતીની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા છે.
કોર્ટે અવલોકન કર્યું કે, આરોપીઓ 2010ના ગુનામાં છેલ્લા 16 વર્ષથી ભાગતા ફરતા હતા. દંપતિએ એકબીજાના સંપર્કમાં રહીને બેંકને 38.75 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનો ગંભીર આક્ષેપ છે. કોર્ટે કહ્યું કે, બેંકો સાથે આ પ્રકારની ઠગાઈ આખરે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં. ગુનાની ગંભીરતા અને આરોપીઓની લાંબા સમયની નાસતા-ફરતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન પર મુક્ત કરવા ન્યાયી જણાતું નથી.
વર્ષ 2010માં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ (ગાંધીનગર)માં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ બેંકમાં કરોડો રૂપિયાના કૌભાંડ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં વ્રજ ટ્રેડર્સના પ્રોપરાઇટર 63 વર્ષીય નીતાબહેન મિસ્ત્રી અને જય અંબે ટ્રેડર્સના પ્રોપરાઇટર 66 વર્ષીય ભુપેન્દ્ર મિસ્ત્રીએ બેંકના તત્કાલિન અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કોઈપણ પ્રકારની સિક્યોરિટી કે અરજી આપ્યા વગર કરોડો રૂપિયા ઉપાડી લીધા હતા. થર્ડ પાર્ટી ચેકો ડિસ્કાઉન્ટ કરાવીને નાણાં મેળવી લીધા હતા અને ચેકો ક્લિયરિંગમાં મોકલવામાં આવ્યા નહોતા. તેમજ ગેરકાયદે રીતે લોન મેળવીને બેંકને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
આરોપી દંપતિએ કરેલી જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપી સામે સીઆરપીસીની કલમ-70 મુજબનું વોરંટ અને કલમ-82 મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં તેઓ છેલ્લા 16 વર્ષથી ભાગતા ફરતા હતા. આરોપીઓએ ભેગા મળીને બેંકને 38.75 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આથી આરોપી દંપતિની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.