ગાંધીનગર: રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 17 IAS અધિકારીઓની બદલી અને વધારાના હવાલા સોંપવાનો આદેશ બહાર પાડ્યો છે. જેમાં 14 અધિકારીઓની બદલી અને 3 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ યાદીમાં અલોક કુમાર પાંડે અને ગૌરાંગ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપતી iNDEXT-B કચેરીની જવાબદારી અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત કેડરના 2012 બેચના IAS અધિકારી ગૌરાંગ એચ. મકવાણા હાલમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમને iNDEXT-Bના વધારાના ચાર્જ સાથે મૂકવામાં આવ્યા છે. અગાઉ તેઓ iNDEXT-Bના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે.
iNDEXT-B એ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળની રોકાણ પ્રોત્સાહન અને સુવિધા પૂરી પાડતી સંસ્થા છે. તે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા, ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં માર્ગદર્શન, જમીન ઉપલબ્ધતા, સરકારી મંજૂરીઓ માટે વિભાગો વચ્ચે સંકલન અને રોકાણકારોની ફરિયાદોના નિરાકરણ જેવી કામગીરી કરે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ iNDEXT-B નોડલ સંસ્થા તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. આથી આ કચેરીમાં પૂર્ણ સમયના બદલે વધારાના ચાર્જની વ્યવસ્થા થતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે મહેસાણા અને ગાંધીનગર વચ્ચે બંને જવાબદારીઓનું સંચાલન કેવી રીતે થશે અને રોકાણકારોને લગતા નિર્ણયો તથા પ્રોજેક્ટ્સની કામગીરી પર તેની શું અસર પડશે.
બીજી તરફ, મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિને ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ગૃહ વિભાગના અધિક સચિવ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. પ્રજાપતિ રજા પર હતા અને ગઈકાલે જ હાજર થયા હતા અને આજે તેમની બદલી થતાં વહીવટી વર્તુળોમાં સવાલો ઊઠ્યા છે. સરકાર તેમની કામગીરીથી નારાજ હોવાની અને સ્થાનિક સ્તરે રાજકીય પ્રતિનિધિઓ સાથે મતભેદ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામની ગૌચર જમીનમાં કથિત ગેરકાયદેસર ખનન અને માટી ચોરીનો મુદ્દો મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયો હોવાની ચર્ચા અગાઉ સામે આવી હતી. આ કેસમાં ભૂસ્તરશાસ્ત્રી પ્રતીક શાહની બદલી અંગે પણ અહેવાલો પ્રકાશિત થયા હતા. હવે કલેક્ટરની બદલી થતાં બંને ઘટનાઓને જોડીને ચર્ચા થઈ રહી છે.