ગાંધીનગર: રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે શુક્રવારે (5 સપ્ટેમ્બર) 7 IAS અધિકારીઓની બદલી અને નિમણૂક કરી છે. આ બદલીમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનિવાલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સંજીવ કુમારને ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ (GNFC)ના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
સંજીવ કુમાર હાલ મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ GNFCના MDનો વધારાનો હવાલો સંભાળશે. રાજકુમાર બેનિવાલને GNFCના મેનેજિંગ ડિરેક્ટર પદેથી બદલી કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક માટે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગને સોંપવામાં આવી છે. તેઓ સુરતના હાલના મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર પાસેથી વધારાનો હવાલો સંભાળશે. બેનિવાલ અગાઉ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન અને GUDM સાથે પણ મહત્વની જવાબદારીમાં રહી ચૂક્યા છે.
રાજેશ માંઝુની રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિશિયો સેક્રેટરી તરીકેની જવાબદારીમાંથી બદલી કરીને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન, ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
જેનુ દવે, જેઓ હાલ ફાઇનાન્સ વિભાગના સેક્રેટરી (એક્સપેન્ડિચર) તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને રેવન્યુ ઈન્સ્પેક્શન કમિશનર અને રેવન્યુ વિભાગના એક્સ-ઓફિશિયો સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રેમ્યા મોહન મુથાદથને મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનર, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના એક્સ-ઓફિશિયો મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના એડિશનલ CEO પદેથી બદલી કરીને હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાત, અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
રચિત રાજને ડિરેક્ટર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ પદે આશિષ કુમાર, IAS પાસેથી હવાલો સંભાળશે. રચિત રાજ ડિરેક્ટર, શેડ્યૂલ્ડ કાસ્ટ્સ વેલફેરનો વધારાનો હવાલો હાલ પૂરતો ચાલુ રાખશે.
હર્ષિલ આર. મીણાને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ પી.બી. રાઠોડ પાસેથી આ પદનો હવાલો સંભાળશે.