સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ભેજ વધતાં ડિહાઈડ્રેશનની ફરિયાદો વધી, બે દિવસ રાહતના સંજોગો નથી

ગુજરાતમાં ભેજ વધતાં ડિહાઈડ્રેશનની ફરિયાદો વધી, બે દિવસ રાહતના સંજોગો નથી

બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ડીપ ડિપ્રેશનના કારણે 24 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતભરમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં સવારે સાપેક્ષ ભેજ 81% નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ 90%થી વધુ રહ્યો છે — અમરેલીમાં 92%, રાજકોટ, સુરત અને વેરાવળમાં 90%, વડોદરામાં 88%, ભાવનગરમાં 82%, સુરેન્દ્રનગરમાં 80%, ગાંધીનગરમાં 79% અને ભુજમાં 78%.

ભેજ વધુ હોવાને કારણે તાપમાન બહુ ઊંચું ન હોવા છતાં શરીરમાંથી પરસેવો ઝડપથી બાષ્પીભવન થતો નથી. એટલે લોકોને વાસ્તવિક તાપમાન કરતાં વધુ ગરમી અને બફારો અનુભવાય છે. આ સ્થિતિમાં શરીરમાંથી પાણી ઝડપથી ઘટવાથી થાક, ચક્કર આવવા, માનસિક કંટાળો અને ડિહાઈડ્રેશનની ફરિયાદો વધી છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ 24 અને 25 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની અને ભેજ 87.48% સુધી પહોંચવાની શક્યતા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવા વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મધ્ય ભારતથી પશ્ચિમ તરફ ભેજના પ્રવાહમાં ફેરફાર થઈ રહ્યો છે. આ સિસ્ટમ ગુજરાત સુધી સીધી ન પહોંચે તો પણ સ્થાનિક વાતાવરણ સાનુકૂળ બનતાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં કે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

નિષ્ણાતોની સલાહ છે કે આવા વાતાવરણમાં પુષ્કળ પાણી પીવું, ઘરનું ભોજન અને હલકો ખોરાક લેવો. ડિહાઈડ્રેશનથી બચવા માટે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું જરૂરી છે.