સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં તાજેતરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે રાજ્યભરમાં હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ માટે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે.
આરોગ્ય મંત્રીના આદેશ બાદ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રએ રાજ્યના 386 હોસ્ટેલ અને કેન્ટીનમાં તપાસ કરી છે. જેમાં 100 સરકારી, 71 અર્ધ સરકારી અને 213 ખાનગી હોસ્ટેલ-કેન્ટીનનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તામાં ખામી જણાતાં 102 હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે 194 નમૂના લેવામાં આવ્યા છે. તેમનું વિશ્લેષણ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસના આધારે 18 હોસ્ટેલ-કેન્ટીન સ્વયંભૂ બંધ થઈ છે અને 2 લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રે જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા, ભેળસેળિયા અને કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે આગળ પણ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.