ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે 7 ઓક્ટોબર 2026થી WhatsApp બિઝનેસ API આધારિત સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ વકીલોને વેબસાઇટ પર જવાની જરૂર વગર સીધું WhatsApp પર તેમના કેસનું કોઝ લિસ્ટ PDF સ્વરૂપે મળશે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ માનસ રંજન પાઠકના નિર્દેશ અનુસાર આ સેવા પ્રાયોગિક ધોરણે (પાયલોટ પ્રોજેક્ટ તરીકે) શરૂ કરવામાં આવી છે. હાઇકોર્ટની કમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી, ડિજિટાઇઝેશન, ઈ-ફાઇલિંગ અને પેપરલેસ કોર્ટ કમિટીના માર્ગદર્શન હેઠળ આ પહેલ અમલમાં મૂકાઈ છે.
નવી વ્યવસ્થા હેઠળ રોજેરોજ વકીલવાર લિસ્ટ ઓટો-જનરેટ થશે અને દરરોજ સાંજે વકીલોના રજિસ્ટર્ડ WhatsApp નંબર પર સીધું PDF ફાઇલ તરીકે મોકલી દેવામાં આવશે.
હાલની સિસ્ટમ કરતાં આ નવી વ્યવસ્થાથી શું ફાયદો થશે?
ડાયરેક્ટ ડોક્યુમેન્ટ ડિલિવરી (SMSની ઝંઝટમાંથી મુક્તિ): પહેલાં વકીલોને માત્ર એક સામાન્ય SMS મળતો હતો કે કોઝ લિસ્ટ પ્રસિદ્ધ થઈ ગયું છે. ત્યારપછી તેમણે જાતે હાઇકોર્ટની વેબસાઇટ ખોલીને પોતાના કેસની વિગતો શોધવી પડતી હતી. હવે નવી સિસ્ટમમાં સીધી PDF ફાઇલ જ WhatsApp પર આવી જશે, જેથી પોર્ટલ પર સર્ચ કરવાની જરૂર રહેશે નહીં.
ત્વરિત એક્સેસ અને મોબાઈલ સુવિધા: વકીલો કોઈપણ વેબ બ્રાઉઝરના વિલંબ કે ફાઈલ શોધવાની માથાકૂટ વગર, પોતાના મોબાઈલમાં એક જ ક્લિક પર લિસ્ટેડ થયેલા કેસોની માહિતી તરત જોઈ શકશે.
ભવિષ્યમાં સેવાનો વિસ્તાર: આ પાયલોટ પ્રોજેક્ટના મૂલ્યાંકન બાદ, ગુજરાત હાઇકોર્ટ આ WhatsApp સેવાનો વધુ વિસ્તાર કરવાની યોજના ધરાવે છે. આગામી સમયમાં કોર્ટના ઓર્ડર અને ચુકાદાઓની સર્ટિફાઇડ કોપી, કેસ સ્ટેટસ રિપોર્ટ્સ, ફીની પહોંચ (Fee Receipts) અને અન્ય ઈ-સેવાઓ સીધી વકીલો તેમજ પક્ષકારો (લિટીગન્ટ્સ) સુધી પહોંચાડવામાં આવશે.