ગુજરાત હાઈકોર્ટે વક્ફ ટ્રિબ્યુનલની સત્તાઓ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વક્ફ ટ્રિબ્યુનલ માત્ર ન્યાયિક વિવાદોનો નિર્ણય કરી શકે છે અને તે વક્ફ બોર્ડની વહીવટી કે નિરીક્ષણાત્મક સત્તાઓનો ઉપયોગ કરી શકે નહીં.
આ ચુકાદો પોરબંદર સ્થિત સૂર્યવાડ મેમણ જમાત વક્ફ સંબંધિત વિવાદમાં આવ્યો છે. આ વક્ફમાં વર્ષ 1996થી ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાઈ ન હતી. આ મામલે જસ્ટિસ મૂલચંદ ત્યાગીની બેન્ચે ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રની મર્યાદા સ્પષ્ટ કરી હતી. કોર્ટે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની લાંબા સમયથી ચાલી રહેલી નિષ્ક્રિયતા અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
વક્ફ ટ્રિબ્યુનલ, ગાંધીનગર દ્વારા ચૂંટણી અધિકારીની નિમણૂક અંગે આપવામાં આવેલા આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે. કોર્ટે આ આદેશને ટ્રિબ્યુનલની સત્તા બહારનો ગણાવ્યો છે.
હાઈકોર્ટે આ સમગ્ર મામલો ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને પરત સોંપ્યો છે. કોર્ટે બોર્ડને વક્ફ અધિનિયમ, 1995 હેઠળ તમામ ફરિયાદોની કાયદેસર તપાસ કરવા અને અસરગ્રસ્ત પક્ષકારોને સાંભળ્યા બાદ ત્રણ મહિનામાં કાર્યવાહી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.
અગાઉ વક્ફ ટ્રિબ્યુનલે મિલકતો અને દસ્તાવેજોનો ભૌતિક કબ્જો લેવા તેમજ ટ્રસ્ટીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા જેવા વહીવટી નિર્દેશો આપ્યા હતા. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ આદેશો વક્ફ મિલકતોના રક્ષણના સારા આશયથી અપાયા હોય તો પણ, કાયદા દ્વારા જે સત્તા આપવામાં આવી નથી, તેનો ઉપયોગ માત્ર સારા આશયના આધારે કરી શકાય નહીં.