સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત હાઈકોર્ટનો આદેશ: પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે એક જગ્યા ખાલી રાખો

ગુજરાત હાઈકોર્ટનો આદેશ: પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે એક જગ્યા ખાલી રાખો

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર ઉમેદવારોને લઈને મહત્વનો વચગાળાનો આદેશ કર્યો છે. ભાવનગરના એક 35 વર્ષીય ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને કહ્યું છે કે, લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં એક જગ્યા ખાલી રાખવી. આ આદેશ અરજીની આખરી સુનાવણી પેન્ડિંગ રહે ત્યાં સુધી અમલમાં રહેશે.

મૂળ ભાવનગરના રહેવાસી અરજદારના આધાર કાર્ડમાં તેમની ઓળખ મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. જો કે, તેમણે ટ્રાન્સજેન્ડર પર્સન્સ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 હેઠળ જિલ્લા કલેક્ટર પાસેથી ઓળખનું પ્રમાણપત્ર મેળવ્યું છે. તેમણે ગુજરાત પોલીસની ચાલુ ભરતી પ્રક્રિયામાં બિનહથિયારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરી હતી. પરંતુ ભરતી ફોર્મમાં માત્ર પુરુષ અને મહિલા કેટેગરી જ ઉપલબ્ધ હોવાથી, તેમણે DGP ઓફિસમાં પૂછપરછ કરી કે તેમણે કઈ કેટેગરીમાં અરજી કરવી જોઈએ. તેમને આધાર કાર્ડમાં દર્શાવેલી જાતિ પ્રમાણે અરજી કરવાની સલાહ આપવામાં આવી હતી.

તદનુસાર, તેમણે મહિલા કેટેગરીમાં અરજી કરી હતી. તેમણે શારીરિક કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટી પાસ કરી લીધી હતી. લેખિત પરીક્ષામાં તેમને 94 માર્ક્સ મળ્યા હતા, જ્યારે SEBC મહિલા કેટેગરીનું કટ-ઓફ મેરિટ 98.5 માર્ક્સ હતું. 11 જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ, તેમણે સત્તાધીશોને રજૂઆત કરી હતી કે તેમની ઉમેદવારીને પુરુષ કે મહિલા કેટેગરીને બદલે ત્રીજી જાતિની કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવે. જવાબ ન મળતાં તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અરજીમાં સત્તાધીશોને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ અને બંધારણીય રીતે યોગ્ય કટ-ઓફ કે પસંદગીના માપદંડો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. જેથી ભરતી પ્રક્રિયામાં અરજદારને સમાન તક મળે અને NALSA કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનો અમલ થાય.

અરજદારે દલીલ કરી હતી કે તેઓ ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી આવે છે અને વર્તમાન ભરતી પ્રક્રિયામાં માત્ર પુરુષ અને મહિલા પૃષ્ઠભૂમિના ઉમેદવારો માટે જ જોગવાઈ છે, જે ભારતના બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર)નો ભંગ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમને અન્ય ઉમેદવારોની સરખામણીમાં ઉછેર દરમિયાન સામાજિક કલંક અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ભરતી પ્રક્રિયામાં વિશેષ અનામત અને ક્વોટાની જરૂરિયાત છે. તેથી, આ ભરતી પ્રક્રિયામાં ત્રીજી કેટેગરીનો સમાવેશ ન કરવો એ અરજદારના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે ત્રીજી જાતિના ઉમેદવારો માટે અલગ કટ-ઓફ મેરિટ જાહેર ન કરીને સત્તાધીશો દ્વારા જાતિના આધારે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમના વકીલે અન્ય રાજ્યોના દાખલાઓ પણ ટાંક્યા હતા.

આ કેસની આગામી સુનાવણી 5 જાન્યુઆરી, 2027ના રોજ મુકરર કરવામાં આવી છે અને સામવાળાઓને તે પહેલાં તેમનો જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

આ સમાચાર પણ વાંચોઃ પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં