સત્ય. સાહસ. સંકલ્પ.

રખડતા શ્વાન મામલે હાઈકોર્ટની ટકોર: દરેક વોર્ડમાં શ્વાનની 'ટેરિટરી' નક્કી કરવા AMCને નિર્દેશ

રખડતા શ્વાન મામલે હાઈકોર્ટની ટકોર: દરેક વોર્ડમાં શ્વાનની 'ટેરિટરી' નક્કી કરવા AMCને નિર્દેશ

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપતાં કહ્યું કે, દરેક વોર્ડમાં રખડતા શ્વાનની હદ એટલે કે 'ટેરિટરી' નક્કી કરવામાં આવે અને તે મુજબ વ્યવસ્થિત રીતે કામગીરી થાય. આડેધડ કામગીરી કરવાને બદલે વૈજ્ઞાનિક અને નક્કર પદ્ધતિથી કામ કરવા પણ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને સૂચના આપી હતી.

હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, શહેરમાં ઘણી જગ્યાએ ભિક્ષુકો સાથે રખડતા શ્વાન જોવા મળે છે અને તેઓ સાથે જમતા હોવાના કિસ્સા પણ સામે આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો મોર્નિંગ વોક દરમિયાન હાથમાં બિસ્કિટ સહિતની ખાદ્ય વસ્તુઓ લઈને નીકળે છે, તેવું પણ કોર્ટે નોંધ્યું હતું. તેથી શ્વાનને ખોરાક આપતા લોકોની ઓળખ કરવી જરૂરી છે, જેથી સમસ્યાનું યોગ્ય નિરાકરણ શક્ય બને.

સુનાવણી દરમિયાન AMC તરફથી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે, પ્રાથમિક ધોરણે વસ્ત્રાપુર વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. દરેક સોસાયટીમાં કેટલા રખડતા શ્વાન છે તેની ગણતરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ચાર સભ્યોના ગ્રુપ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ AMCએ કોર્ટને જણાવ્યું હતું.

રખડતા શ્વાનના મુદ્દે માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ બાળકોમાં જાગૃતિ લાવવાનું કામ પણ થઈ રહ્યું છે. AMCના CNCD વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં જઈને બાળકોને રખડતા શ્વાન અને ગલૂડિયાં અંગે માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને રખડતા શ્વાન કે ગલૂડિયાં જ્યાં હોય ત્યાં નજીક ન જવું અને સાવચેતી રાખવી, તેવી સમજ બાળકોને આપવામાં આવી રહી છે.

હાઈકોર્ટે સમગ્ર મામલે આડેધડ કાર્યવાહી કરવાને બદલે શ્વાનોની સંખ્યા, તેમની ટેરિટરી અને તેમને ખોરાક આપતા લોકોની ઓળખ કરીને નક્કર કામગીરી કરવા પર ભાર મૂક્યો છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી થશે.