સત્ય. સાહસ. સંકલ્પ.

હાઈકોર્ટ ચુકાદાના અમલ માટે ગુજરાત સરકારની નવી SOP: વિલંબ કરનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી

હાઈકોર્ટ ચુકાદાના અમલ માટે ગુજરાત સરકારની નવી SOP: વિલંબ કરનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી

ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ SOP રાજ્યના તમામ વહીવટી વિભાગોને લાગુ પડશે. તેનો મુખ્ય હેતુ ચુકાદાઓના અમલમાં થતો વિલંબ અટકાવવાનો અને અદાલતી અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ની સ્થિતિ ટાળવાનો છે.

કાયદા વિભાગના તાજેતરના પરિપત્ર મુજબ, ન્યાયાલયના નિર્ણય બાદ સમયસર કાર્યવાહી ન થવાથી આદેશના અમલમાં વિલંબ થઈ શકે છે. નવી SOP આ વહીવટી વિલંબને ઘટાડવા માટે પ્રક્રિયાને ટાઇમ-બાઉન્ડ બનાવે છે.

જો સંબંધિત વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણાં વિભાગે નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવી પડશે. જ્યારે વિભાગને ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે, ત્યારે વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં લિટિગેશનની કાર્યવાહી શરૂ કરવાની રહેશે. આ સાથે કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024ના રોજ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત વહીવટી વિભાગની રહેશે. એટલે કે ચુકાદો આવ્યા બાદ તેને પડતર રાખવાને બદલે વિભાગે સમયબદ્ધ રીતે એ નક્કી કરવાનું રહેશે કે નિર્ણય સ્વીકારવો છે કે તેની સામે કાનૂની પ્રક્રિયા હાથ ધરવી છે.

અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે તેમાં સંદર્ભિત દસ્તાવેજોને ઈ-સરકાર પ્રણાલીમાં અપલોડ કરવા અનિવાર્ય રહેશે. સંબંધિત દસ્તાવેજો અને સંદર્ભોને સ્પષ્ટ હાઈપરલિંક સાથે નોંધવા પડશે તથા પ્રસ્તાવમાં જરૂરી વિગતો ઉપલબ્ધ કરાવવી પડશે. સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિત જરૂરી માહિતી નોંધવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આથી અપીલની દરખાસ્તોમાં દસ્તાવેજી સંપૂર્ણતા અને પ્રક્રિયાની સ્પષ્ટતા સુનિશ્ચિત થશે તથા બિનજરૂરી પત્રવ્યવહાર અથવા દસ્તાવેજોની અછતને કારણે થતા વિલંબને ઘટાડવામાં મદદ મળશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી થતો બિનજરૂરી વિલંબ અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. જો કોઈ કિસ્સામાં નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે, તો લાગુ નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની જવાબદારી વિભાગના વડાની રહેશે.

કેટલાક કિસ્સાઓમાં વ્યવહારુ કારણોસર હાઈકોર્ટના આદેશનો નિયત સમયગાળામાં અમલ કરવો શક્ય ન પણ બને. ઉદાહરણ તરીકે રેકોર્ડ ઉપલબ્ધ ન હોવા, સેવા સંબંધિત જરૂરી માહિતીનો અભાવ અથવા ચુકાદા અનુસાર નિર્ણય લેવાની પ્રક્રિયા પડતર હોવી. આવી પરિસ્થિતિમાં સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં મિસ્લેનિયસ સિવિલ એપ્લિકેશન ફોર ટાઇમ એક્સટેન્શન દાખલ કરીને વધારાનો સમય માગવાની કાર્યવાહી કરવાની રહેશે. મહત્ત્વપૂર્ણ રીતે વધારાના સમય માટેની આ અરજી હાઈકોર્ટ દ્વારા મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ દાખલ કરવાની રહેશે. તેને અંતિમ સમય સુધી પડતર રાખવાને બદલે સમયસર કોર્ટ સમક્ષ રજૂ કરવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.

નવી SOPથી હાઈકોર્ટના આદેશો બાદ અમલ, અપીલ અથવા સમયવધારો, આ ત્રણેય પરિસ્થિતિઓ માટે સ્પષ્ટ પ્રક્રિયા નક્કી થઈ છે.