ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ પારદર્શક, જવાબદાર અને ઝડપી બનાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટના ચુકાદાઓનો અમલ કરવામાં સરકારી વિભાગો તરફથી થતા બિનજરૂરી વિલંબને કારણે સરકારને અદાલતી અવમાનના (કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ) સ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે તમામ વહીવટી વિભાગો માટે કડક અને સ્પષ્ટ 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર' (SOP) અમલમાં મૂકી છે. આ નવી વ્યવસ્થા હેઠળ કોર્ટના આદેશો પર નિર્ધારિત સમયમર્યાદામાં જ ફરજિયાત કાર્યવાહી કરવી પડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી હર્ષ સંઘવી તથા કાયદા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના સીધા નેતૃત્વમાં આ વ્યવસ્થા ઘડવામાં આવી છે. કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024ના રોજ જારી કરાયેલા પરિપત્રના નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરવા આ પગલું ભરાયું છે. આ કાર્યપ્રણાલીનો મુખ્ય હેતુ વહીવટી કામગીરીને સમયબદ્ધ બનાવવાનો છે.
નવી SOP મુજબ, હાઈકોર્ટનો ચુકાદો આવે ત્યારે સંબંધિત વિભાગે તેને ફાઈલોમાં પડતર રાખવાને બદલે તરત જ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે.
જો વિભાગને કોર્ટનો નિર્ણય માન્ય હોય, તો નાણાં વિભાગ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા અનુસાર કોઈપણ વિલંબ વિના તેનો અમલ તાત્કાલિક શરૂ કરવો પડશે. જો ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવી યોગ્ય લાગે, તો વિભાગીય અભિપ્રાય તૈયાર કરી, કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં જ લિટિગેશનની કાર્યવાહી શરૂ કરવી પડશે.
અપીલ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં હવે ડિજિટલ સિસ્ટમનો મહત્તમ ઉપયોગ થશે. ઈ-ફાઈલમાં નોંધાયેલી વિગતો સાથે સંબંધિત તમામ દસ્તાવેજો 'ઈ-સરકાર' પ્રણાલીમાં ફરજિયાત અપલોડ કરવા પડશે અને દસ્તાવેજોને સ્પષ્ટ હાઈપરલિંક આપવી પડશે. ઉપરાંત, એક ચેકલિસ્ટ તૈયાર કરવો પડશે, જેના પર સક્ષમ અધિકારીની સહી હોવી જરૂરી છે. પ્રક્રિયામાં વિલંબ થયો હોય તો તેના કારણો આ ચેકલિસ્ટમાં સ્પષ્ટ દર્શાવવા પડશે. આ પદ્ધતિથી અધૂરા દસ્તાવેજોના કારણે થતો પત્રવ્યવહાર અને વહીવટી વિલંબ અટકશે.
આ માર્ગદર્શિકામાં સૌથી કડક જોગવાઈ જવાબદારી નક્કી કરવા અંગેની છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલીને થતો બિનજરૂરી વિલંબ હવે ચલાવી લેવાશે નહીં. નિયત સમયમર્યાદાનું ઉલ્લંઘન થશે તો સંબંધિત અધિકારીને સીધા જવાબદાર ઠેરવાશે. આવા કિસ્સામાં વિભાગના વડાએ જવાબદાર અધિકારી સામે લાગુ નિયમો અનુસાર કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવી પડશે.
કેટલાક કિસ્સામાં વ્યવહારિક કારણોસર, જેમ કે જૂનો રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો અથવા કર્મચારીની સેવા સંબંધિત માહિતીનો અભાવ હોવાથી, નિર્ધારિત સમયમાં ચુકાદાનો અમલ શક્ય બનતો નથી. આવા સંજોગો માટે સરકારે સ્પષ્ટતા કરી છે કે સંબંધિત વિભાગે છેલ્લી ઘડી સુધી રાહ જોવાની પ્રથા બંધ કરવી પડશે. તેના બદલે, મૂળ ચુકાદામાં આપેલી સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ હાઈકોર્ટમાં સમયવધારા માટેની અરજી (Miscellaneous Civil Application for Time Extension) સમયસર દાખલ કરવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
હાઈકોર્ટના ચુકાદાઓના અમલમાં થતો બિનજરૂરી વિલંબ ટાળવા અને સરકારને અદાલતી અવમાનની સ્થિતિમાંથી બચાવવા આ SOP લાગુ કરાઈ છે. આનાથી વહીવટી કામગીરી સમયબદ્ધ બનશે.