ગુજરાત હાઇકોર્ટમાં યુનાઇટેડ કિંગડમના નાગરિકત્વ ધરાવતા OCI કાર્ડ ધારક ગુજરાતી વ્યક્તિએ જાહેરહિતની અરજી (PIL) દાખલ કરી છે. અરજદારે ચીફ જસ્ટિસની કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે તેઓ મૂળ ભારતીય છે અને તેમનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમના પિતા કૃષિમાં સ્નાતક (B.Sc. Agriculture) હતા. અરજદાર ભારતમાં પણ રહે છે.
કોર્ટે અરજદારને પૂછ્યું કે તમે યુનાઇટેડ કિંગડમના નાગરિક છો, તો ભારતમાં કેટલો સમય રહો છો? તમે જણાવ્યું છે કે 1 વર્ષ 15 દિવસ ભારતમાં રહ્યા છો, તો આ સમયગાળામાં ભારત વિશે શું જાણ્યું? તમે સંપૂર્ણ ભારતીય નાગરિકતા ધરાવતા નથી, તો શું તમે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી શકો?
એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે જણાવ્યું કે OCI કાર્ડ ધારકના અધિકારો મર્યાદિત છે. કોર્ટે કહ્યું કે જો અરજદાર ભારતનો મતદાતા નથી, તો તેને કયા અધિકારો મળે છે? બીજા દેશના નાગરિકો ભારતની બાબતોમાં દખલ કરી શકે નહીં. અરજદારે જવાબ આપ્યો કે ભારતના નિર્બળ લોકોનો અવાજ બનીને તેમને શું અંગત લાભ મળવાનો છે? એડિશનલ એડવોકેટ જનરલે સ્પષ્ટ કર્યું કે OCI કાર્ડ ધારકને ફક્ત દેશમાં રહેવાની પરવાનગી મળે છે, નાગરિકતા નહીં.
કોર્ટે અરજદારને પૂછ્યું કે જો તમે ભારતના નાગરિક નથી, તો કોર્ટ તમને કેમ સાંભળે? અરજદારે જણાવ્યું કે જો હાઇકોર્ટ તેમની જાહેરહિતની અરજી કાયદા મુજબ સાંભળી શકતી નથી, તો આ કેસ સુપ્રીમ કોર્ટને મોકલે. તેઓ આ અરજી પરત ખેંચશે નહીં. કોર્ટ ઇચ્છે તો તેને નકારી શકે છે, જેથી અરજદાર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે.
કોર્ટે અરજદાર અને રાજ્ય સરકાર બંનેને કહ્યું કે OCI કાર્ડ ધારક કોર્ટમાં જાહેરહિતની અરજી કરી શકે તે કાયદા મુજબ સાબિત કરો. અરજદાર કોર્ટમાં રૂબરૂ રજૂઆત કરે. અરજદારે જણાવ્યું કે તેઓ અગાઉ પણ કોર્ટમાં આવ્યા હતા, પરંતુ મામલો આગળ વધ્યો નહોતો. તેઓ રૂબરૂ રજૂઆત કરવા તૈયાર છે, પરંતુ તેમને ચોક્કસ સમય આપવામાં આવે.
અરજદારે વધુમાં જણાવ્યું કે તેઓ હાલમાં કરજણ, વડોદરામાં રહે છે. તેઓ યુનાઇટેડ કિંગડમમાં ભેદભાવનો ભોગ બન્યા છે. ત્યાંના લોકો તેમને પોતાના દેશ પરત ફરવા કહેતા હતા. ભારત એક સુંદર દેશ છે, પરંતુ અત્યારે તેમને અહીં કાયદા વગરના સમાજ જેવું લાગે છે. તેઓ પરત યુનાઇટેડ કિંગડમ જવા માંગતા નથી. તેઓ અરજી પાછળ પૈસા પણ ખર્ચી રહ્યા છે અને તેમની ઇચ્છા છેવાડાના લોકોની મદદ કરવાની છે.
અરજદારે તેમની અરજીમાં ગુજરાત રાજ્ય, પોલીસ કમિશનર, FDCA, FSSAI, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, હ્યુમન રાઇટ્સ કમિશન, ચાઇલ્ડ રાઇટ્સ કમિશન વગેરેને પક્ષકારો તરીકે જોડ્યા છે.
કોર્ટે એડિશનલ એડવોકેટ જનરલને OCI કાર્ડ ધારક ભારતના નાગરિકો માટે જાહેરહિતની અરજી કરી શકે કે કેમ અને તેમના અધિકારો શું છે તે અંગે વિસ્તારપૂર્વક જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. વધુ સુનાવણી 7 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે.