નવરાત્રિ દરમિયાન લાઉડસ્પીકરના અવાજ પ્રદૂષણના મામલે ગુજરાત હાઈકોર્ટે સરકાર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ માગ્યો છે. આ મામલે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.
સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, તેના સરપ્રાઈઝ ચેકિંગમાં વધુમાં વધુ 80 ડેસિબલ અવાજ નોંધાયો છે. જ્યાં ડીજે અને લાઉડસ્પીકરના વધુ ડેસિબલ અવાજ નોંધાયા છે, ત્યાં પોલીસ સાથે મળીને ગરબા તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા છે. વેરાવળમાં ગરબા અંગે થયેલી ફરિયાદની પણ તપાસ કરાઈ છે, જ્યાં મમતા હોસ્પિટલ નજીક 58થી 60 ડેસિબલ અવાજ નોંધાયો હતો.
હાઈકોર્ટે ટકોર કરી હતી કે, હોસ્પિટલની નજીક ધીમા અવાજે પણ લાઉડસ્પીકર ન વગાડવા જોઈએ. કોર્ટે અરજદારને કહ્યું હતું કે, તમે જાતે તપાસ કરો અને જો વધુ અવાજ જણાય તો સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને તરત જાણ કરજો.
કોર્ટે GPCBને આદેશ કર્યો છે કે, અરજદાર જાણ કરે તરત તે જગ્યાએ જઈને પગલાં લેવાના રહેશે. કોર્ટે સરકારને સૂચના આપી છે કે, લોકો સહન ન કરી શકે તેવા અવાજ ન હોવા જોઈએ.
GPCBએ રજૂઆત કરી હતી કે, અમે એવું નથી કહેતા કે અવાજનું પ્રદૂષણ નથી હોતું, પરંતુ નિર્ધારિત અવાજ કરતાં થોડો વધારે હોય છે. અરજદારે સરકારની રજૂઆતને ખોટી ગણાવતા દલીલ કરી હતી કે, ગરબા 12 વાગ્યા સુધી નહીં, પરંતુ 2 વાગ્યા સુધી ચાલે છે.
આ સંદર્ભમાં કોર્ટે ટકોર કરી હતી કે, લાઉડસ્પીકરની જગ્યા પણ બદલવી જોઈએ. સ્થળ પર જઈને અવાજના ડેસિબલ તપાસવાના રહેશે અને અવાજની માત્રા સહન થઈ શકે તેટલી રાખવી પડશે. સરકારે દલીલ કરી હતી કે, શેરી ગરબામાં લાઉડસ્પીકર વગાડવામાં આવતા નથી. છતાં, કોર્ટે સરકાર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ માગ્યો છે.