સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત હાઈકોર્ટમાં નારી સંરક્ષણ ગૃહોની સ્થિતિ અંગે સુનાવણી, સરકારે રજૂ કર્યો રિપોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં નારી સંરક્ષણ ગૃહોની સ્થિતિ અંગે સુનાવણી, સરકારે રજૂ કર્યો રિપોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં નારી સંરક્ષણ ગૃહો અને બાળ સુરક્ષા ગૃહોની કથળતી સ્થિતિ અંગેની જાહેરહિતની અરજી (PIL) પર 21 ઓક્ટોબરે સુનાવણી થઈ. આ અરજી વર્ષો જૂની છે અને રાજ્યભરના આ ગૃહોની દયનીય હાલત સામે ધ્યાન દોરે છે.

સુનાવણી દરમિયાન સરકારે સોગંદનામું રજૂ કર્યું, જેમાં 12થી 15 જિલ્લાઓમાં આવેલા નારી સંરક્ષણ ગૃહોની સ્થિતિ અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું કે હાઈકોર્ટના અગાઉના નિર્દેશોના પાલન અંગે તમામ કલેક્ટરો સાથે વ્યક્તિગત બેઠકો પૂર્ણ કરવામાં આવી છે.

અરજદારે કોર્ટને જણાવ્યું કે હાઈકોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને દર મહિને નારી સંરક્ષણ ગૃહોની નિયમિત મુલાકાત કરવા આદેશ આપ્યો હતો. આ મુલાકાતો દરમિયાન ગૃહોમાં ઉપલબ્ધ સગવડો, સુરક્ષા વ્યવસ્થા અને પુનર્વસન માટે શિક્ષકો તથા અન્ય વ્યક્તિઓની ગોઠવણની તપાસ થવી જોઈએ. અરજદારે તમામ નારી સંરક્ષણ ગૃહોની નવેસરથી તપાસ કરવાની માગ કરી છે.

હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 2 ડિસેમ્બરે મુકરર કરી છે.

ઉલ્લેખનીય છે કે 2014માં ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાંથી 9 યુવતીઓ ભાગી ગયા બાદ હાઈકોર્ટે આ મુદ્દે મહત્ત્વના નિર્દેશો આપ્યા હતા. તે સમયે કોર્ટે સરકારને નવા નિયમો ઘડવાનો આદેશ આપ્યો, જેના પગલે સરકારે નિયમો જાહેર કર્યા.

હાઈકોર્ટના નિર્દેશોમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

• ઇચ્છા વિરુદ્ધ રાખી ન શકાય: કોઈ પણ પુખ્ત વયની મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ નારી સંરક્ષણ ગૃહમાં રાખી શકાય નહીં. બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આ તેનો અધિકાર છે. જો તે મુક્ત થવા માગે તો મેજિસ્ટ્રેટે તરત જ મુક્ત કરવી પડે.

• શિક્ષણની વ્યવસ્થા: જે યુવતીઓ એક વર્ષથી વધુ સમય રહેવાની છે તેમને શાળા/કોલેજમાં પ્રવેશ અપાવવો, દૂરસ્થ શિક્ષણ અને વીડિયો કોન્ફરન્સ દ્વારા ભણાવવું.

• વોકેશનલ તાલીમ ફરજિયાત: ફક્ત ઘરકામ નહીં, પણ સ્વાવલંબી બનવા માટે કોમ્પ્યુટર ક્લાસ, કૌશલ્ય વિકાસ અને વોકેશનલ માર્ગદર્શન આપવું જરૂરી.

• ભોજન અને કપડાં: ગર્ભવતી મહિલાઓ અને બાળક સાથે રહેતી માતાઓ માટે પૌષ્ટિક આહાર, આરોગ્ય નિષ્ણાતની સલાહથી ભોજન. દરેક યુવતીને ઓછામાં ઓછી 4 જોડી કપડાં અને જરૂરી સામાન આપવો.

• માનસિક કાઉન્સેલિંગ: ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનુભવી મહિલા કાઉન્સેલર દ્વારા સમયાંતરે કાઉન્સેલિંગ.

• વ્યવસ્થાપન માટે કમિટી: 12 સભ્યોની રાજ્ય સ્તરીય સ્ટીયરિંગ કમિટી રચવી, જેમાં મહિલા અને બાળ વિકાસ સચિવ અધ્યક્ષ, પોલીસ, આરોગ્ય, એમએસયુ વડોદરા અને ગુજરાત યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA), એનજીઓ પ્રતિનિધિ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને નિવૃત્ત ન્યાયાધીશનો સમાવેશ થાય.

આ અરજીના મૂળ મુદ્દા પર સરકારે રજૂ કરેલા રિપોર્ટ અને અરજદારની માગને ધ્યાનમાં રાખીને હવે આગળની સુનાવણી 2 ડિસેમ્બરે થશે.