સત્ય. સાહસ. સંકલ્પ.

NA મંજૂરી વિવાદ: ગુજરાત હાઈકોર્ટે મહેસૂલ તંત્રને ઠપકો, 5 ઓક્ટોબર સુધીમાં કાયમી ઉકેલનો આદેશ

NA મંજૂરી વિવાદ: ગુજરાત હાઈકોર્ટે મહેસૂલ તંત્રને ઠપકો, 5 ઓક્ટોબર સુધીમાં કાયમી ઉકેલનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે બિનખેતી (NA) મંજૂરીના વિવાદો અંગે મહેસૂલ વિભાગની કામગીરી સામે ફરી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ નિરલ આર. મહેતાની અદાલતે 24 સપ્ટેમ્બરે સતવારા પરસોતમ માધવજી અને અન્યની અરજીમાં નોંધ્યું કે, 2011થી 2026 દરમિયાન અનેક ચુકાદાઓ થયા છતાં NA મંજૂરીના નિર્ણયો સામે વારંવાર કોર્ટમાં વિવાદ ઊભો થાય છે. તેના કારણે નાગરિકોને બિનજરૂરી હેરાનગતિ ભોગવવી પડે છે અને કોર્ટનો કિંમતી સમય પણ વેડફાય છે.

હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, NA મંજૂરીના મોટા ભાગના વિવાદો યોગ્ય રીતે ટાળી શકાય તેવા છે. મહેસૂલ અધિકારીઓને અદાલતે નક્કી કરેલા કાયદાથી માહિતગાર અને સંવેદનશીલ બનાવવામાં આવે તો નાગરિકોની હેરાનગતિ અટકી શકે, કોર્ટનો સમય બચી શકે અને આવા કેસોમાં સરકારને બચાવ પાછળ થતો ખર્ચ પણ ઘટે.

મહેસૂલ વિભાગના વધારાના મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિએ રજૂ કરેલા પત્રમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટે ઉઠાવેલા મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તેના ઉકેલ માટે ચર્ચા ચાલી રહી છે. અદાલતે આ ચર્ચાને અસરકારક અને કાયમી ઉકેલ સુધી પહોંચવા માટે થોડો સમય આપ્યો છે.

અદાલતે 2025ના અગાઉના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં મહેસૂલ અધિકારીઓને તાલીમ, કાર્યશાળા અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવા તથા જરૂર પડે ત્યાં જવાબદારી નક્કી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં વિવાદોની સ્થિતિમાં ખાસ ફેરફાર ન થતાં હાઈકોર્ટે નોંધ્યું કે અગાઉના ચુકાદાનો હેતુ હજુ સુધી યોગ્ય રીતે અમલમાં આવ્યો નથી.

હાઈકોર્ટે ખાસ નોંધ્યું કે, આ કેસમાં જામનગર કલેક્ટર પાસે વલણ અંગે ખુલાસો માંગવામાં આવ્યો ત્યારે તેમણે કોર્ટ દ્વારા નક્કી કરાયેલા કાયદાકીય સિદ્ધાંતને બદલે સરકારી ઠરાવનો આધાર રજૂ કર્યો હતો. અદાલતે કહ્યું કે, આ દર્શાવે છે કે અધિકારીઓ સરકારી ઠરાવોથી વધુ પ્રભાવિત છે અને અદાલતના નક્કી કરેલા કાયદા પ્રત્યે બેદરકાર રહ્યા છે.

હાઈકોર્ટે હવે 5 ઓક્ટોબર, 2026ના રોજ મામલો ફરી મુકવાનો આદેશ કર્યો છે. તે દિવસે મહેસૂલ સત્તાવાળાઓએ ચર્ચાની પ્રગતિ અંગે અદાલતને માહિતગાર કરવાની રહેશે તેમજ હાલમાં અમલમાં રહેલા NA મંજૂરી સંબંધિત તમામ સરકારી ઠરાવો રેકોર્ડ પર રજૂ કરવાના રહેશે.