ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધી, પાછળથી લગ્નનો ઇન્કાર કરવો એ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-69 હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે આરોપી યુવકની એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યાજબી કારણ વગર લગ્નનો ઇન્કાર દર્શાવે છે કે યુવકનો ઈરાદો શરૂઆતથી જ લગ્ન કરવાનો નહોતો.
આ મામલે અરજદાર યુવકે દલીલ કરી હતી કે ફરિયાદી 23 વર્ષની પુખ્ત વયની યુવતી છે અને સંબંધો સહમતિથી બંધાયા હતા. પરંતુ જસ્ટિસ ઠક્કરે આ દલીલ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, ફરિયાદી કે અરજદાર બંનેમાંથી કોઈએ લગ્ન ન કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સહમતિ અને છેતરપિંડી વચ્ચેનો તફાવત સંજોગોની તપાસ પરથી જ નક્કી થાય છે – શું આરોપી ખરેખર લગ્ન કરવા માગતો હતો કે પછી વાસના સંતોષવા માટે ખોટું વચન આપીને છેતરપિંડી કરી હતી.
હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે, આ કેસમાં પ્રથમ દૃષ્ટિએ દબદબાવાળો ગુનો બને છે અને તે સુપ્રીમ કોર્ટના સ્ટેટ ઓફ હરિયાણા વિ. ભજનલાલ ચુકાદાના માપદંડો હેઠળ આવતો નથી. તેથી ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવામાં કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણી શકાય નહીં અને આરોપીની એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવવામાં આવે છે.
શું છે સમગ્ર મામલો? અરજદાર યુવક અને ફરિયાદી યુવતી (ઉંમર આશરે 23 વર્ષ) છેલ્લા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમની વચ્ચે આત્મીય સંબંધો હતા. વર્ષ 2024માં અરજદાર યુવક યુવતીના ઘરે ગયો હતો અને ત્યારબાદ બંનેના માતા-પિતા આ લગ્ન માટે સંમત થયા હતા. બંનેની જે દિવસે સગાઈ થવાની હતી, તે દિવસે અરજદાર પરિવારમાં એક સભ્યનું અવસાન થવાથી સગાઈ થઈ શકી ન હતી. જોકે, યુવતીના માતા-પિતાને ખાતરી આપવામાં આવી હતી કે લગ્ન તો યુવતી સાથે જ કરવામાં આવશે. ત્યારબાદ યુવતી અરજદાર સાથે ઉદયપુર ગઈ હતી, જ્યાં લગ્નના વચન હેઠળ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.
આ ઘટના બાદ અરજદારના પિતાએ સગાઈ આગળ વધારવા માટે રૂ.15 લાખની માગણી કરી હતી, જેના માટે યુવતીના માતા-પિતા સંમત પણ થયા હતા. પરંતુ, આ વર્ષે મે મહિનામાં જ્યારે યુવતીના પિતાએ લગ્નની તારીખ અંગે પૂછપરછ કરી, ત્યારે અરજદારના પરિવારજનોએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. અરજદાર યુવકે પણ યુવતીને જણાવી દીધું હતું કે તે તેની સાથે લગ્ન કરવા માગતો નથી. તેથી યુવતીએ BNS કલમ 69 હેઠળ અમદાવાદના મહિલા પોલીસ મથક (પૂર્વ)માં આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ (એફઆઈઆર) નોંધાવી હતી.
ભારતીય ન્યાય સંહિતાની કલમ-69 શું છે? આ કલમ લગ્નના ખોટા વચન દ્વારા છેતરપિંડીને શિક્ષાપાત્ર ગુનો ગણે છે. જો કોઈ વ્યક્તિ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધે અને પછી લગ્નનો ઇન્કાર કરે, તો તે કલમ હેઠળ ગુનો બને છે. કોર્ટનો આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે સહમતિથી બંધાયેલા સંબંધો પણ જો ખોટા વચન પર આધારિત હોય તો તે છેતરપિંડી ગણાય.