સત્ય. સાહસ. સંકલ્પ.

લિવ-ઈનમાં લેખિત કરાર હોય તો દુષ્કર્મનો આરોપ ટકી શકે નહીં: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

લિવ-ઈનમાં લેખિત કરાર હોય તો દુષ્કર્મનો આરોપ ટકી શકે નહીં: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લગતા એક મહત્ત્વના કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે, જ્યારે બે પુખ્ત વયના વ્યક્તિઓ પરસ્પર સંમતિથી લેખિત કરાર હેઠળ સાથે રહે છે અને પછી લેખિત કરાર દ્વારા તેમનો સંબંધ પૂરો કરે છે, ત્યારે લગ્નના ખોટા વચનના આધારે દુષ્કર્મનો આરોપ ટકાવી રાખવો મુશ્કેલ બને છે.

જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે પૂર્વ લિવ-ઈન પાર્ટનર મહિલાની અપીલ ફગાવી દીધી હતી. તેમણે ટ્રાયલ કોર્ટના તે ચુકાદાને બહાલ રાખ્યો હતો, જેમાં આરોપી પુરુષને દુષ્કર્મના કેસમાં નિર્દોષ ઠેરવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, લિવ-ઈન રિલેશનશિપમાં લાંબા સમય સુધી સાથે રહેતા બે પુખ્ત વયના લોકોના સંબંધો, તેમના વર્તન અને સંજોગોને ધ્યાનમાં લીધા વિના, ફક્ત લગ્ન કરવાની ના પાડવાના કારણે પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફોજદારી કાર્યવાહી કરી શકાય નહીં. જો કે, લગ્નનું વચન શરૂઆતથી જ ખોટા ઈરાદાથી આપવામાં આવ્યું હોય અને તેનો ઉપયોગ મહિલાની સંમતિ મેળવવા માટે થયો હોય, તો તે અલગ કાનૂની પરિસ્થિતિ ગણાશે.

ખંડપીઠે નોંધ્યું કે, આજકાલ સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર છે અને પોતાની શરતો પર જીવન ઘડવાના નિર્ણય લેવા સક્ષમ છે. આવા લિવ-ઈન સંબંધોમાં લગ્ન દ્વારા સંબંધને ઔપચારિક બનાવવાની ઈચ્છા વ્યક્ત થઈ શકે છે, પરંતુ તે ઈચ્છા પોતે સંબંધને લગ્ન તરીકેનો દરજ્જો આપતી નથી. માત્ર મતભેદ કે વિવાદ ઊભો થાય તે કારણે ફોજદારી કાર્યવાહી કરી શકાય નહીં.

આ કેસમાં બંને વચ્ચેના લેખિત કરારોમાં પોતાની મરજીથી સાથે રહેવાનો અને કોઈ દબાણ કે લાલચ ન હોવાનો ઉલ્લેખ હતો. 29 જાન્યુઆરી, 2020ના રોજ થયેલા બીજા કરારમાં બંનેએ પોતાની ઈચ્છાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો હોવાનું સ્પષ્ટ થાય છે. આ દસ્તાવેજોમાં મારપીટ, ધમકી કે બળજબરીથી શારીરિક સંબંધના કોઈ આક્ષેપોનો ઉલ્લેખ ન હતો.

કેસની વિગત મુજબ, ફરિયાદી યુવતી અમદાવાદની એક કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને આરોપી સાથે લગભગ એક વર્ષથી પ્રેમસંબંધમાં હતી. ફરિયાદ મુજબ, 14 ઓગસ્ટ 2019ના રોજ બંને વચ્ચે સાથે રહેવા અને ભવિષ્યમાં લગ્ન કરવા અંગે લેખિત સમજૂતી થઈ હતી. યુવતી તેના માતા-પિતા અને કાકાની જાણકારીમાં યુવક સાથે ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી. ફરિયાદ મુજબ, 29 જાન્યુઆરી 2020ના રોજ અગાઉનો કરાર રદ કરવા અંગે બીજી સમજૂતી કરવામાં આવી હતી. લિવ-ઈન કરાર રદ થયા બાદ બીજા દિવસે યુવતીએ પ્રતિવાદી યુવક વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મ સહિતના આક્ષેપોની ફરિયાદ નોંધાવી હતી.

31 જાન્યુઆરી 2026ના રોજ ટ્રાયલ કોર્ટે યુવકને નિર્દોષ છોડી મૂક્યો હતો. આ ચુકાદાથી નારાજ યુવતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ તેની અપીલ ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે, ખોટા લગ્નવચનના આધારે બળાત્કારનો ગુનો ટકી શકે નહીં.