ગુજરાત હાઈકોર્ટે દેહવ્યાપાર સંબંધિત 2010ના એક કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર દેહવ્યાપારના અડ્ડા પર ગ્રાહક તરીકે હાજર રહેવાથી કોઈ વ્યક્તિને દેહવ્યાપાર (નિવારણ) અધિનિયમ, 1956 (ITPA) હેઠળ અડ્ડો ચલાવવા કે દેહવ્યાપાર માટે કોઈને મેળવવા બદલ દોષિત ઠેરવી શકાય નહીં. હાઈકોર્ટે અરજદાર સામેની એફઆઇઆર રદ કરી છે.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2010માં નોંધાયેલી એફઆઇઆરને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે એક હોટલમાં દરોડો પાડ્યો હતો, જ્યાં કથિત રીતે દેહવ્યાપારનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાનો આરોપ હતો. દરોડા દરમિયાન અરજદાર ત્યાંથી મળી આવ્યો હતો અને તેની સામે ITPAની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધાયેલી FIR રદ કરવાની માગણી
આ કાર્યવાહી સામે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી પોતાની સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવાની માગણી કરી હતી. અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે તે માત્ર ગ્રાહક તરીકે હોટલમાં ગયો હતો અને હોટલનું સંચાલન કરતો હોવા કે કોઈ વ્યક્તિને દેહવ્યાપાર માટે લાવ્યા અથવા મેળવ્યા હોવાના પૂરતા પુરાવા નથી.
દેહવ્યાપારના અડ્ડા પર ગ્રાહક તરીકે હાજર રહેવું એ ગુનો સાબિત કરતું નથી: હાઈકોર્ટ
હાઈકોર્ટે કેસના તથ્યો તથા ITPAની સંબંધિત જોગવાઈઓનું પરીક્ષણ કર્યા બાદ નોંધ્યું કે માત્ર દેહવ્યાપારના અડ્ડા પર ગ્રાહક તરીકે હાજર રહેવું એ અડ્ડો ચલાવવાનો ગુનો સાબિત કરતું નથી. તેવી જ રીતે, માત્ર સ્થળ પર હાજરીના આધારે કોઈ વ્યક્તિએ દેહવ્યાપાર માટે કોઈ વ્યક્તિને મેળવી હોવાનું પણ માની શકાય નહીં.
આ કાનૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અરજદાર સામે વર્ષ 2010માં નોંધાયેલી એફઆઇઆર અને તેની સાથે જોડાયેલી કાર્યવાહી રદ કરી હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી ITPA હેઠળ દેહવ્યાપારનો અડ્ડો ચલાવનાર અને માત્ર ગ્રાહક તરીકે સ્થળ પર હાજર રહેનાર વ્યક્તિ વચ્ચેની કાનૂની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા થઈ છે.