સત્ય. સાહસ. સંકલ્પ.

HIV સંક્રમિત અરજદારોના કેસને હાઈકોર્ટમાં અગ્રતા, રજિસ્ટ્રાર જનરલે પરિપત્ર બહાર પાડ્યો

HIV સંક્રમિત અરજદારોના કેસને હાઈકોર્ટમાં અગ્રતા, રજિસ્ટ્રાર જનરલે પરિપત્ર બહાર પાડ્યો

ગુજરાત હાઈકોર્ટે HIV/AIDS સંક્રમિત વ્યક્તિઓના પડતર કેસોને સુનાવણીમાં અગ્રતા આપવાનો નિર્ણય લીધો છે. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિના આદેશ અનુસાર, આવા કેસોની સુનાવણી અને નિકાલને પ્રાથમિકતા આપવામાં આવશે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે 8 ઑક્ટોબર, 2026ના રોજ આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે 26 સપ્ટેમ્બર, 2023ના રોજ સિવિલ અપીલ નંબર 7175/2021માં CPL આશિષ કુમાર ચૌહાણ (નિવૃત્ત) વિરુદ્ધ કમાન્ડિંગ ઑફિસર અને અન્યના કેસમાં ચુકાદો આપ્યો હતો. તેના નિર્દેશોના પગલે આ પગલું લેવાયું છે. પરિપત્રમાં HIV/AIDS (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ) એક્ટ, 2017ની કલમ 34નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરિપત્ર મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં પડતર HIV/AIDS સંક્રમિત વ્યક્તિઓના કેસોમાં અગ્રતા મેળવવા માટે અરજદારોએ કચેરીના સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો પડશે. પુરુષ દર્દીઓએ એડિશનલ રજિસ્ટ્રાર હર્ષદકુમાર એમ. પટેલનો સંપર્ક કરવાનો રહેશે, જ્યારે મહિલા દર્દીઓએ એડિશનલ રજિસ્ટ્રાર (વહીવટ) સુજિત્રા રાજનનો સંપર્ક કરવાનો રહેશે.

અરજદારોએ સરકારી માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાનો HIV પોઝિટિવ રિપોર્ટ, ઓળખનો પુરાવો અને પોતાના કેસ સંબંધિત તમામ દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. હાઈકોર્ટની વેબસાઇટ પર પણ આ પરિપત્ર પ્રસિદ્ધ કરીને અરજદારો અને જાતે કેસ લડતા પક્ષકારોને જાણ કરવામાં આવી છે. આ નિર્ણયથી HIV/AIDS સંક્રમિત વ્યક્તિઓના પડતર કેસોને પ્રાથમિકતા આપવાની વ્યવસ્થા અમલમાં આવશે.