સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં બેફામ ડમ્પરો અને હેલમેટ ન પહેરવા અંગે ગુજરાત હાઈકોર્ટની ચિંતા

અમદાવાદમાં બેફામ ડમ્પરો અને હેલમેટ ન પહેરવા અંગે ગુજરાત હાઈકોર્ટની ચિંતા

અમદાવાદ શહેરમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેરહિતની રિટ અરજી પર સુનાવણી થઈ. આ સુનાવણીમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ માનસ રંજન પાઠકે શહેરના માર્ગો પર બેફામ દોડતા ડમ્પરો અને વધતા અકસ્માતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી.

કોર્ટે રાજ્ય સરકારને નાગરિકોના જીવ બચાવવા માટે હેલમેટના કાયદાનો અમલ કરાવવા અને દિવસ દરમિયાન ડમ્પરોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા ટકોર કરી. એક્ટિંગ ચીફ જસ્ટિસે કહ્યું કે અમદાવાદ જેવા શહેરોમાં દિવસે પણ ડમ્પરો બેફામ ફરે છે, જેના કારણે લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. તેમણે દિવસ દરમિયાન ડમ્પરો પર પ્રતિબંધનો અમલ કરવા સૂચના આપી.

કોર્ટે એ બાબત પર પણ ચિંતા વ્યક્ત કરી કે લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે છે, વિડિયો કોલ કરે છે અને વિડિયો જુએ છે, જેના કારણે તેમનું ધ્યાન ડ્રાઈવિંગમાંથી હટી જાય છે અને અકસ્માતો સર્જાય છે.

હેલમેટ અંગે કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે અમદાવાદ જેવા શહેરોમાં લોકો હેલમેટ પહેરતા નથી. બીજા રાજ્યોમાંથી ગુજરાત આવતા ન્યાયાધીશો પૂછે છે કે શું અહીં હેલમેટનો કાયદો નથી? દરેક રાજ્યમાં હેલમેટ ફરજિયાત છે. વધુમાં, ટુ-વ્હીલરની પાછળ બેસનારા લોકો માટે હેલમેટની વાત તો દૂર છે, પરંતુ વાહન ચાલકો પણ હેલમેટ પહેરતા નથી.

કેસની સુનાવણીમાં સરકારપક્ષે પોલીસ ભરતી અંગે થયેલી કાર્યવાહીની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી, જેમાં ટ્રાફિક પોલીસમાં ટીઆરબી જવાનોની સંખ્યા વધારવાની માહિતીનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે.