ગુજરાત હાઈકોર્ટે ડિજિટલ અરેસ્ટ અને વરિષ્ઠ નાગરિકો સાથે થતી કરોડો રૂપિયાની ઠગાઈના વધતા કેસો અંગે રાજ્ય પોલીસને ઝાટકણી કાઢી છે. જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે પોલીસને કહ્યું કે તેઓ "સૂફિયાણી વાતો" છોડી, વરિષ્ઠ નાગરિકોના ડૂબેલા પૈસા પાછા અપાવે અને અસરકારક વ્યવસ્થા ગોઠવે.
ડિજિટલ અરેસ્ટના એક કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ કેરીયલે રાજ્ય પોલીસ તંત્ર, ખાસ કરીને સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટના તપાસ અધિકારીઓની કામગીરી સામે ઊંડી નારાજગી વ્યક્ત કરી. તેમણે સવાલ ઉઠાવ્યો કે પોલીસ વારંવાર કહે છે કે વરિષ્ઠ નાગરિકોને પૂરતી સમજણ હોતી નથી, પણ સાચો સવાલ એ છે કે ખુદ સાયબર પોલીસને આ પ્રકારના ગુનાઓની કેટલી ઊંડી સમજ છે?
અદાલતે પૂછ્યું કે અત્યાર સુધી ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા કેટલા પીડિત વડીલોને પોલીસે તેમના પૈસા પાછા અપાવ્યા છે અને મુખ્ય સૂત્રધાર આરોપીઓ સુધી પોલીસ શા માટે પહોંચી શકતી નથી? પોલીસ માત્ર મ્યુલ એકાઉન્ટના સામાન્ય આરોપીઓને પકડીને સંતોષ માની લે છે અને કામગીરીના દાવા કરે છે, પરંતુ નાગરિકો આ ફ્રોડનો શિકાર જ ન બને તે માટે નક્કર પગલાં કેમ લેવામાં આવતા નથી?
આ કેસમાં ફરિયાદીએ ડિજિટલ અરેસ્ટની ઠગાઈમાં રૂ. 60 લાખ જેટલી મોટી રકમ ગુમાવી છે, છતાં હજુ સુધી તેમને નાણાં પરત મળ્યા નથી અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે. હાઈકોર્ટે સવાલ કર્યો કે પકડાયેલા એક આરોપીના ભાડે અપાયેલા બેંક એકાઉન્ટમાંથી રૂ. 10 લાખ રિકવર કરવામાં આવ્યા છે અને તે આરોપી ફરિયાદીને રકમ પરત આપવા તૈયાર છે, તેમ છતાં પોલીસ ફરિયાદીને તેમની રકમ પાછી કેમ અપાવતી નથી?
આ કેસમાં મુખ્ય આરોપી મોહંમદ દાનિશ દ્વારા અન્ય સહઆરોપીઓના મ્યુલ એકાઉન્ટમાં ડિજિટલ અરેસ્ટના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાની ચોક્કસ વિગતો બહાર આવી હોવા છતાં પોલીસ હજુ સુધી તેના સુધી કેમ પહોંચી શકી નથી, તે પણ મોટો પ્રશ્ન છે.
હાઈકોર્ટે એમ પણ સૂચવ્યું કે બેંક મેનેજરો અને સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. સાયબર ક્રાઈમના કેસોમાં મ્યુલ એકાઉન્ટની તપાસ માત્ર નાટક સમાન બની રહી છે. જે બેંકોમાં આવા મ્યુલ એકાઉન્ટ ખોલીને ડિજિટલ અરેસ્ટના નાણાં જમા કરવામાં આવે છે અને ફ્રોડ આચરવામાં આવે છે, તે બેંકોના મેનેજરો અને જવાબદાર અધિકારીઓ પણ આ બેનામી એકાઉન્ટ્સ માટે જવાબદાર છે. સામાન્ય અને પ્રામાણિક નાગરિકો માટે દરેક બેંકમાં કેવાયસી (KYC) ફરજિયાત હોય છે અને કેવાયસી વગર કોઈપણ બેંક એકાઉન્ટ ચલાવી શકાતું નથી.
જો બેંક મેનેજરોની જવાબદારી નક્કી કરવામાં આવે તો આ પ્રકારના સાયબર ફ્રોડના ગુનાઓ તાત્કાલિક અટકી શકે તેમ છે. પરંતુ, બેંક અધિકારીઓ અને ગુનેગારોની કથિત મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બને છે અને છેવટે ફ્રોડમાં ગુમાવેલા પોતાના નાણાં પાછા મેળવવાની તેમની બધી આશાઓ ઠગારી નીવડે છે.