સત્ય. સાહસ. સંકલ્પ.

ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત: ગુજરાત હાઈકોર્ટનો મહિલા સંપત્તિ અધિકાર પર મહત્વપૂર્ણ ચુકાદો

ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત: ગુજરાત હાઈકોર્ટનો મહિલા સંપત્તિ અધિકાર પર મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના સંપત્તિ અધિકારો અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રીનો ખેડૂત તરીકેનો દરજ્જો લગ્ન થવાથી કે મહેસૂલી રેકોર્ડમાંથી નામ કાઢી નાખવાથી સમાપ્ત થતો નથી. તે જન્મથી જ ખેડૂત છે.

રાજકોટના જામકંડોરણા તાલુકાના જસપર ગામની જસુમતીબહેન નવલદાસ દસાણી અને અન્યોએ દાખલ કરેલી અરજીમાં જસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ આ ચુકાદો આપ્યો. તેમણે પોરબંદર કલેક્ટરના 19 ઓગસ્ટ 2016ના આદેશને રદ કરીને અરજદાર બહેનનું નામ મહેસૂલી રેકોર્ડમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો. કોર્ટે 26 મે 1990ની એન્ટ્રીઓ પણ પુનઃસ્થાપિત કરવાનું કહ્યું.

અરજદાર બહેનના પિતા નાથાલાલનું 1967માં અવસાન થયું હતું. તેમના ભાઈ રમેશે બનાવટી દસ્તાવેજો દ્વારા મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ દૂર કરાવી નાખ્યું હતું, જેથી તેમણે ખેડૂત તરીકેનો કાયદેસર અધિકાર ગુમાવ્યો. જસુમતીબહેને તેમના પરિવારની ખેતીલાયક જમીનના આધારે સ્થાનિક મહેસૂલી અધિકારીઓ પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવ્યું હતું અને 1990માં ખેતીની જમીન ખરીદી હતી.

કોર્ટે નોંધ્યું કે અરજદારના દાદા ખેડૂત હતા અને તેમની ખેતીની જમીન તેમના ત્રણ પુત્રોમાં વહેંચાઈ હતી, જેમાં અરજદારના પિતા પણ સામેલ હતા. તેથી અરજદાર ખેડૂતની પુત્રી અને પૌત્રી હોવાથી જન્મથી જ ખેડૂતનો દરજ્જો ધરાવે છે. માત્ર મહેસૂલી રેકોર્ડમાંથી નામ કાઢી નાખવાથી તેમનો દરજ્જો ખતમ થઈ શકે નહીં. કોર્ટે એવું પણ જણાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમના તાજેતરના સુધારા મુજબ પુત્રીને પિતાની સંપત્તિમાં સહવારસદાર ગણવામાં આવે છે.

હાઈકોર્ટે એવું પણ નોંધ્યું કે અરજદારે ખરીદેલી જમીન બાદમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો દ્વારા તૃતીય પક્ષોને વેચી દેવામાં આવી હતી અને તેની મહેસૂલી એન્ટ્રીઓ પણ કરવામાં આવી હતી. આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે કલેક્ટરના 19 ઓગસ્ટ 2016ના વિવાદિત હુકમને રદ કર્યો અને અરજદાર બહેનનું નામ રેવન્યુ રેકોર્ડમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો.